આણંદના બાંધણીમાં બંધ મકાનમાં 43 હજારની ચોરી કરી તસ્કરો ફરાર
નરેશ ગનવાણી ચીફ બ્યૂરો નડિયાદ
આણંદના બાંધણીમાં બંધ મકાનમાં 43 હજારની ચોરી કરી તસ્કરો ફરાર
પેટલાદના બાંધણી ગામે લખાપુરામાં ત્રાટકેલા તસ્કરોએ શ્રમિક પરિવારના ઘરમાં ઘુસી સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત રૂ.૪૩ હજારની મત્તા ચોરી ગયાં હતાં. આ અંગે મહેળાવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરિવાર નવા મકાનમાં સુવા ગયો હતો બાંધણીના લખાપુરામાં રહેતા જયંતીભાઈ ઇશ્વરભાઈ તળપદા ખેતી કામ કરી ઘર ચલાવે છે. તેઓ ૧૫મી ડિસેમ્બરના રોજ રાત્રિના જમી પરવારી તેમના નવા મકાન ખાતે સુવા ગયાં હતાં. આ સમયે તેમનું જુનું મકાન બંધ હતું. દરમિયાનમાં વ્હેલી સવારે જાગીને જોયું તો જુના ઘરના દરવાજા ખુલ્લા હતા અને તાળા તુટેલાં હતાં.ઘરની ઓસરીના દરવાજા ઉપર લગાવેલું તાળું નીચે પડેલું હતું. અંદરની રૂમમાં જોતા કબાટના કપડા વેર વિખેર હતાં. છેલ્લી રૂમમાં તિજોરી તુટેલી હતી. જેનો સામાન વેરવિખેર હતો. આને સોના – ચાંદીના દાગીના, રોકડા રૂ.૧૦ હજાર ચોરી કરી ગયાં હતાં. જ્યાંથી બહાર નિકળી એક જ દિવાલે આવેલા બીજા ઘરમાં જોતા દરવાજાની સાંકળ તુટેલી હતી અને અંદરની રૂમમાં પ્રવેશ કરી જોતા સરસામાન વેર વિખેર હતો. જ્યાં સ્ટીલના ડબ્બામાં મુકેલા રોકડા રૂ.૧૫ હજાર ચોરાયાં હતાં. આમ દાગીના અને રોકડ સહિત કુલ રૂ.૪૩ હજારની મત્તા અજાણ્યા શખ્સોએ ચોરી ગયા હતા. આ અંગે મહેળાવ પોલીસને જાણ કરતાં સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ અંગે પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો હતો.