દેવગઢ બારીયાના કાળીયાકોટા ગામની ૩૩ વર્ષીય મહિલા એ પતિ વિરુદ્ધ દાહોદ મહિલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ.
નીલ ડોડીયાર
દાહોદ તા.૨૨
દેવગઢ બારીયાના કાળીયાકોટા ગામની ૩૩ વર્ષીય મહિલાને પતિ દ્વારા બીજી પત્ની લાવવા માટે મારકુટ કરી પ્રથમ પત્ની હયાત હોવા છતાં બીજી પત્ની તરીકે રાખવા અન્ય મહિલાને ઘરમાં લાવી દઈ પતિ, સાસુ, સસરા તથા બીજી પત્ની દ્વારા ઘરમાંથી નીકળી જવા માટે દબાણ કરી ગુજારાતા શારીરીક અને માનસીક ત્રાસથી વાજ આવેલ એ ન્યાયની દાદ માટે દાહોદ મહિલા પોલિસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યાનું જાણવા મળ્યું છે.
દેવગઢ બારીયાના ભથવાડા ગામના પુજારીયા ફળિયામાં રહેતા બળવંતભાઈ ભોદુભાઈ પટેલની દીકરી ૩૩ વર્ષીય કપીલાબેનના લગ્ન આશરે બાર વર્ષ અગાઉ દે.બારીયાના કાળીયાકોટા ગામના વિનોદભાઈ ભારતભાઈ પટેલ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ કપીલાબેનને તેના પતિ વિનોદભાઈ સસરા ભારતભાઈ વાઘાભાઈ પટેલ તથા સાસુ લીલાબેન ભારતભાઈ પટેલે દશ વર્ષ સારી રીતે રાખ્યું હતું ત્યારબાદ તે ત્રણેનું પોત પ્રકાશ્યું હતું અને પતિ વિનોદે બીજી પત્ની લાવવાવ માટે પત્ની કપીલાબેનને ગાળો આપી ઝઘડો તકરાર કરી મારકુટ કરવાનું ચાલું કરી દીધું હતું અને પહેલી પત્ની કપીલાબેન ઘરમાં હયાત હોવા છતાં તેની હયાતીમાં જ મનીષાબેન નામના યુવતીને બીજી પત્ની તરીકે લાવી ઘરમાં બેસાડી દીધી હતી ત્યારબાદ કપીલાબેનને તેના સાસુ-સસરા પણ અવાર નવાર મારો છોકરો બીજી પત્નિ લઈ આવ્યો છે જેથી તું ઘરમાંથી નીકળી જા તેમ કહી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી શારીરીક અને માનસીક ત્રાસ ગુજારાતા હોઈ, રોજબરોજના આવા આવા ત્રાસથી વાજ આવી જઈ કપીલાબેને પોતાના પતિ, સસરા, સાસુ તથા શોક્ય વિરૂધ્ધ દાહોદ મહિલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે ઈપિકો કલમ ૪૯૮(ક), ૪૯૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.