છકડો પલ્ટી ખાઈ જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત છ જણાને ગંભીર ઇજાઓ થતા તે પૈકી એકનું સ્થળ પર જ મોત.
ગગન સોની નીલ ડોડીયાર
દાહોદ તા. ૨૩
ઝાલોદ તાલુકાના સીમલીયા ગામે મોટા પાડલા ફળિયામાં રોડ પર ગતરોજ બપોરના સમયે પુરપાટ દોડી આવતા પેસેન્જરો ભરેલ છકડો પલ્ટી ખાઈ જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત છ જણાને ગંભીર ઇજાઓ થતા તે પૈકી એકનું સ્થળ પર જ મોત નિપજ્યાનું તેમજ પાંચ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
ગતરોજ દિનેશભાઈ સુરપાલભાઈ બારીયા નામનો ચાલક તેના કબ્જાના જીે. ૨૦ ડબલ્યુ. ૫૦૮૨ નંબરના છકડામાં સવાર બેસાડી બપોરના એક વાગ્યાના સુમારે છકડો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકાર લઇ આવતા ચાલક દિનેશભાઈ બારીયાએ છકડાનાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં છકડો રોડ પર પલ્ટી ખાઈ જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં છકડાનો ચાલક દિનેશભાઈ બારીયા પોતાનાં કબ્જાનો છકડો રોડ પર મુકી નાસી ગયો હતો જ્યારે છકડામાં સવાર મજલીબેન નારજીભાઈ નો હાથ ભાંગી જવા પામ્યો હતો. ગોમાભાઈ ગજસીંગભાઈ ડામોર, લલ્લુભાઈ ગલજીભાઈ બારીયા, મિનેશભાઈ મેતીયા ભાઈ કિશોરી તથા મુકેશભાઈ જેતીયાભાઈ ડામોરને શરીરે ઓછી વત્તી ઇજાઓ થવા પામી હતી જ્યારે ૫૫ વર્ષીય જામલાભાઈ કડકીયા કિશોરીને શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થતાં તેનું સ્થળ પર મોત થયું હતુ.
ઘટનાની જાણ થતાં જ લીમડી પોલિસ ઘટના સ્થળેથી દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે લીમડી સરકારી દવાખાને મોકલી આપ્યા હતા જ્યારે મૃતક જામલાભાઈ કડકીયાભાઈ કિશોરીની લાશનો કબ્જાે લઇ પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી લાશને પીએમ માટે લીમડી સરકારી દવાખાને મોકલી આપી આ મામલે લીમડી પોલિસ છકડા ચાલક દિનેશભાઈ સુરપાલભાઈ બારીયા વિરૂદ્ધ ફેરલનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.