ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટીની ફાર્મસી ફેકલ્ટીના ડો. બી. એન. સુહાગિયાને લાઈફ- ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો
નરેશ ગનવણી બ્યરો ચીફ – નડિયાદ
ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટીની ફાર્મસી ફેકલ્ટીના ડો. બી. એન. સુહાગિયાને લાઈફ- ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો
ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટીના ફાર્મસી વિભાગમાં કાર્યરત ડો. બી. એન. સુહાગિયાને એસોસીએસન ઓફ ફાર્મસી પ્રોફેશનલ્સ, સ્વિટ્ઝર્લેન્ડ ઇન્ટરનેશનલ બ્રાન્ચ તેમજ હરિયાણા સ્ટેટ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે વિજય દિવસ ના સંદર્ભે તા. ૧૭ ડિસેમ્બરના રોજ લાઈફ-ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ડો. બી. એન. સુહાગિયાની ૪૮ વર્ષની કારકિર્દીના સમયમાં કરેલ શૈક્ષણિક, સંશોધન તેમજ સમાજોપયોગી યોગદાન બદલ આ એવોર્ડ મળેલ છે. આ પ્રસંગે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટીના વાઇસ-ચાન્સેલર પદ્મશ્રી ડો. એચ. એમ. દેસાઈ, ડાઈરેક્ટર અંકુર દેસાઈ, રજિસ્ટ્રાર મનોજ ભાવસાર, ફાર્મસી ફેકલ્ટીના ડિન ડો. તેજલ સોની તેમજ સર્વ સ્ટાફમિત્રો એ શુભેરછા તેમજ અભિનંદન પાઠવ્યા હતા. ડો. સુહાગિયાના માર્ગદર્શન હેઠળ ૪૦ થી વધુ વિદ્યાર્થીઓએ ડોક્ટરેટ ડિગ્રી મેળવી નામાંકિત ફાર્મા. કંપનીઓ જેવીકે સન ફાર્મા, ટોરેન્ટ, ટ્રોઈકા, કેડિલા, ઝાયડસ, એમ્નીલ,પિરામલ,વિગેરેમાં ઉચ્ચ સ્થાને કાર્યરત છે. ડો. સુહાગિયા એ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય જર્નલમાં ૨૦૦ થી વધુ સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે. ડો. સુહાગિયા નું નામ Who’s Who In The World, ન્યુ જર્સી દ્વારા નામાંક્તિ વ્યક્તિઓની યાદીમાં સામેલ કરવમાં આવેલ છે. તેઓએ ભારતની ખ્યાતનામ અને પ્રથમ ફાર્મસી કોલેજ એલ. એમ. કોલેજ ઓફ ફાર્મસી ખાતે ૩૮ વર્ષ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવેલ અને હાલ છેલ્લા ૧૦ વર્ષથી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટીની ફાર્મસી વિભાગમાં વિદ્યાર્થીઓને ઉચ્ચતર માર્ગદર્શન તેમજ સંશોધન કાર્ય માટે પ્રેરણા સ્ત્રોત બની ઉદાહરણ રૂપ કાર્ય કરી રહ્યા છે. ડો. સુહાગિયાએ આ એવોર્ડ મળવા બદલ સર્વ શૈક્ષણિક સાથી મિત્રો તેમજ ગુરુઓ જેમકે ડો. એમ. બી. દેવાણી, ડો. સી. જે. શીસુ, ડો. યુ. એસ. પાઠક, ડો. ભાનુબેન ત્રિવેદી, ડો. જી. બી. ભાવસાર અને ડો. એમ. સી. ગોહેલ તેમજ મેડિકલ ક્ષેત્રના ડો. અશોક દેસાઈ, ડો. સી. બી. કથીરિયા વિગેરે ના યોગદાન તેમજ પરિવારજનો અને મિત્રોના સાથ સહકાર બદલ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.