રિપોટર – પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ નગરમાં આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં સેવા કરવા મોટા પ્રમાણમાં ઉમેદવારો મેદાનમાં ઉતરવાના સંકેત હાલના મોટા ભાગના નગરપાલિકાના કાઉન્સિલરો થી નગરની જનતા નારાજ નગરમાં અપવાદ સિવાય મોટા ભાગના વોર્ડમાં નવી કોઈ નક્કર કામગીરી થઈ જ નથી
ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીમાં ઉભા રહી નગરની સેવા કરવા માટે રોજ નવા નામોની ચર્ચા વિવિધ જગ્યાએ ટોળા રૂપે ભેગા થયેલા લોકો વિવિધ વિસ્તારોમાં કરી રહ્યા છે. ઝાલોદ નગરની વિવિધ કાયમી સમસ્યાઓ ક્યારે દૂર થશે તેવું નગરમાં ચર્ચાઈ રહ્યું છે.
નગરમાં કાયમી પાણીની સમસ્યા, વિવિધ વિસ્તારો કે ગલીઓમાં લાઇટ નો અભાવ, રોજ ગટરોની સાફ સફાઈની સમસ્યા ,તૂટેલા રોડની સમસ્યા, ભૂગર્ભ ગટરનુ પાણી રોડ પર ઉભરાવવાની સમસ્યા, વરસાદી પાણીમાં અમુક વિસ્તારોમાં પાણી ભરાતા દુકાનોમાં નુકશાન થતાં પાણીની નિકાલની વ્યવસ્થા, અમુક સોસાયટી ઓ નગરમાં હોવાં છતાંય ત્યાં પાકા રસ્તા કે ગટર લાઇન જેવી સમસ્યા આવી અનેક સમસ્યાઓ થી ઝાલોદ નગર ઘેરાયેલો છે.
ઝાલોદ નગરમાં હાલના નગરપાલિકાના મોટા ભાગના કાઉન્સિલરો દ્વારા નગરના વિસ્તારોમાં કોઈ પણ જાતની નવીન કામગીરી થયેલ નથી તો તેવા કાઉન્સિલરો થી નગરની જનતા નારાજ જોવાઈ રહેલ છે. અમુક વિસ્તારોમાં તો જીત્યા પછી નગરપાલિકાના અમુક કાઉન્સિલર જોવા મળેલ પણ નથી તેથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
નગરમાં હાલ ચર્ચાઓ જોવા મળી રહેલ છે કે સરકાર દ્વારા નગરમાં વિવિધ વિસ્તારોમાં કામગીરી માટે ગ્રાંટ આવતી હોય છે જો ગ્રાંટ આવેલ હોય અને કામગીરી થયેલ ન હોય તો આ ગ્રાંટ ક્યાં બારોબાર સગેવગે થઈ ગઈ તે પણ એક ચર્ચાનો વિષય બનેલ છે.
હાલ મા નગરપાલીકાની ચૂંટણીને લઈ નગરમાં ચારે બાજુ ચર્ચાઓ એ વેગ પકડયો છે રોજ નવા નવા લોકોના નામો ચૂંટણીમાં ઉભા રહેવા માટે ચર્ચાઈ રહ્યાં છે. નગરના વિકાસ માટે અને નગરની સેવા કરવા માટે નગરમાં મોટાં પ્રમાણમાં ફોર્મ ભરાવાની શક્યતા જોવાઈ રહેલ છે. નગરના વિકાસ માટે ખરેખર કેટલા જાગૃત ઉમેદવારો છે તે તો આવનાર સમય જ બતાવશે.
નગરને પોતાનું સમજી વિકાસ કરે તેવા સ્વચ્છ પ્રતિભા ધરાવનાર લોકોને જ વિવિધ પાર્ટીઓ મેન્ડેટ આપે તો જ લોકો પાર્ટીના મેન્ડેટ ઉમેદવારોને વોટ આપશે નહિતો અપક્ષ ઉમેદવારો જીતી સરકાર બનાવે તો નવાઈ નહીં કહેવાય.
ઝાલોદ નગરમાં વિવિધ ટેન્ડરોમાં અમુક કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી થતી જ નથી અને થઈ હોય તો નબળી કક્ષાની થયેલ જોવા મળી રહેલ છે. તો નગરપાલિકા આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં મૂકી સારા સર્ટિફાઇ કામગીરી કરે તેવા કોન્ટ્રાક્ટર ને કામગીરી આપે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. અમુક જાગૃત લોકોએ તો નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં થયેલ કામગીરીની લેખિત માહિતી પણ પાલિકા પાસે માંગી છે જેથી જે તે જવાબદાર અધિકારીઓને કામગીરી અંગે નગરની સાચી વાસ્તવિકતાઓ બતાવી શકાય.