મહિલાઓ અને છોકરીઓ પર થતી હિંસાને અટકાવવા માટે “જિલ્લા સ્તરીય પરામર્શ” કાર્યક્રમ યોજાયો
મહિલાઓ અને છોકરીઓ પર થતી હિંસાને અટકાવવા માટે “જિલ્લા સ્તરીય પરામર્શ” કાર્યક્રમ યોજાયો
દાહોદ, તા. ૩૦ : વનિતા મહિલા શક્તિ સંગઠન અને ઉત્થાન દ્વારા ધાનપુર ખાતે મહિલાઓ સામે હિંસાને અનુસંધાને સરકારી અને બિન સરકારી માળખાઓ સાથે એક “જિલ્લા સ્તરીય પરામર્શ”નું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ સાથે થતી હિંસાનાં બાબતે રજૂઆત, ન્યાયસમિતિએ અનુભવેલી અડચણ, ભલામણો અને અસરોની રજૂઆત તેમજ માળખાઓ સાથે કાર્ય કરવામાં મુંઝવણ, અવરોધો બાબતે વિગતે ચર્ચા કરાઇ હતી.
કાર્યક્રમમાં ઉપસ્થીત દાહોદ દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી પટેલે મહિલાઓ સાથે થતી હિંસા વિરૂદ્ધ વિવિધ કાયદાઓ વિષે વાત કરી. ખાસ કરીને કામના સ્થળે મહિલાઓ સાથે હિંસા વીરૂદ્ધ કાયદાકીય જોગવાઈ અંગે જણાવ્યું. તેમજ પ્રવર્તમાન સમાજ વ્યવસ્થા અંગે પોતાની વાત રજુ કરી. આ ઉપરાંત દાહોદ બાલ સુરક્ષા અધિકારી શ્રી કુરેશીએ દાહોદ વિસ્તારમાં થતાં બાળ લગ્નો અંગે ચિંતા વ્યક્ત કરી તેમજ જણાવ્યું કે આ બાળલગ્નો રોકવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. તેમજ મહિલા શક્તિ સંગઠન અને ઉત્થાન જેવી સેવાભાવી સંસ્થાઓને આ કામગીરીમાં સહયોગ માટે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ધાનપુર પોલીસ સ્ટેશન એએસઆઇ શ્રી પ્રકાશભાઈ વસાવા, જિલ્લા ન્યાય સમિતિ સદસ્ય શ્રી મંજુબેન નિનામા, સખી વન સ્ટોપ સેન્ટર, દાહોદ, ઉત્થાન લીમખેડાના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.