દાહોદની સરકારી ઇજનેરી કોલેજમાં કેમ્પસ પ્લેસમેન્ટમાં છાત્રને વાર્ષિક રૂ. ૧૨ લાખની ઓફર

દાહોદ, તા. ૧૯ : ઉત્તમ શિક્ષકો થકી જ ઉત્તમ વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે. દાહોદ જિલ્લાની સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકોના માર્ગદર્શન નીચે અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરી સફળતાના નવા શિખરો સર કરી રહ્યા છે. આજે આવા જ એક હોનહાર વિદ્યાર્થી નિખિલ સંજય ભટ્ટની વાત કરવાની છે.
મૂળ જમ્મુ શહેરના ૨૧ વર્ષના નિખિલ ભટ્ટે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પાસ કર્યા બાદ સરકારી ઇજનેરી કોલેજ, દાહોદમાં કોમ્પ્યુટર એંજિનિયરિંગ કોર્સમાં પ્રવેશ લીધો હતો. હોશિયાર વિદ્યાર્થીઓને પોતાની કંપનીમાં લેવા માટે દેશની મોટી મોટી કંપનીઓ દ્વારા અહીંયા કેમ્પસ પ્લેસમેન્ટ યોજવામાં આવે છે. તાજેતરમાં જ એક આંતરરાષ્ટ્રીય કંપની ઝારો ટોપસ્કોલર પ્રા.લી., મુંબઇ દ્વારા પોતાની કંપની માટે કુશળ-પ્રતિભાશાળી કર્મચારીઓ માટે આખા દેશમાં કેમ્પસ ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ તેમણે કેમ્પસ ઇન્ટરવ્યુ યોજયા હતા. અહીંની દાહોદ ઇજનેરી કોલેજમાં જારો ટોપસ્કોલર, મુંબઇ દ્વારા યોજાયલા કેમ્પસ પ્લેસમેન્ટમાં દાહોદ, ગોધરા, ભરૂચ, મોડાસા, પાટણ, વલસાડ, મોરબી એમ ૭ સરકારી ઇજનેરી કોલેજો અને એક ખાનગી ઇજનેરી કોલેજ નિયો ટેક વડોદરાના ૨૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ફકત એક વિદ્યાર્થી નિખિલ ભટ્ટની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદ મુંબઇ ખાતે યોજાયેલા ઇન્ટરવ્યુને સફળતાપૂર્વક પસાર કરી તેઓ અંતિમ પસંદગી પામ્યા છે. ગ્રુપ ડિસ્કશનથી લઇને ઇન્ટરવ્યુ સુધીના વિવિધ પાયદાન પર કોલેજના આચાર્યશ્રી પી.કે. બ્રહ્મભટ્ટ તથા પ્રો. અજીત દરજી અને પ્રો. ઇસ્હાક શેખે તેમને માર્ગદર્શન આપ્યું હતું. આખા રાજયમાં થયેલા કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફકત ૨ જ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં દાહોદની ઇજનેરી કોલેજના નિખિલ ભટ્ટને ૧૨ લાખના વાર્ષીક પેકેજ સાથે કરીઅર ડેવલપમેન્ટ એકઝીક્યુટીવ તરીકે પસંદગી કરવામાં આવી છે.
દાહોદની સરકારી ઇજનેરી કોલેજ અનેક હોનહાર વિદ્યાર્થીઓ માટે ઝળહળતી સફળતાના દ્વાર ખોલી રહી છે. ગત વર્ષે કરવામાં આવેલા કેમ્પસ પ્લેસમેન્ટમાં ૪૦ કંપનીઓ દ્વારા ૯૦ વિદ્યાર્થીઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ વર્ષે યોજવામાં આવેલા કેમ્પસ પ્લેસમેન્ટમાં ૨૦ કંપનીઓ દ્વારા ૨૫ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. તાજેતરમાં જ જિલ્લાના ઇજનેરી કોલેજના અધ્યાપકનું નવતર સંશોધન માટે રાષ્ટ્રપતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આમ, શિક્ષણના ઊંચા ધોરણો જાળવીને જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ દેશભરમાં નામ રોશન કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: