દાહોદ નગરપાલિકાના વોર્ડ નં. ૫, ૬, ૮ના સેવા સેતુમાં લોકોના સરકારી કામો સરળતાથી થયા

રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમની પાંચમી શ્રેણી અંતર્ગત દાહોદ નગરપાલિકા દ્વારા આજે અહીની વણિક સમાજની વાડી ખાતે વોર્ડ નંબર ૫,૬ અને ૮નો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નગરજનોને રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો સરળતાથી લાભ મળ્યો હતો.
વણિક સમાજની વાડી ખાતે આધાર કાર્ડ, મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ, રાશન કાર્ડ, આરોગ્ય વિષયક સેવાઓ, આવાસ યોજનાઓના ફોર્મ, વિધવા સહાય, લર્નિંગ ડ્રાઇવર લાયસન્સ, આવકના દાખલા, ચાલચલગતના દાખલા સહિતની વિવિધ સેવાઓની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
નગરપાલિકાના પ્રમુખ શ્રી અભિષેકભાઇ મેડા, ઉપપ્રમુખ શ્રી પ્રશાંતભાઇ દેસાઇ, મુખ્ય અધિકારી શ્રી અતુલ સિંહા સહિતના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકોએ સેવાસેતુ કાર્યક્રમની મુલાકાત લીધી હતી અને જ્યાં જરૂરત પડે ત્યાં અરજદારોને માર્ગદર્શન આપ્યું હતું. કેટલાક લાભાર્થીઓને તેમના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
શ્રી અંજનાબેન બાલકૃષ્ણભાઇ દેસાઇ નામના એક વિધવા અરજદારનું રેશનકાર્ડને લગતું આ સેવા સેતુમાં ફટાફટ થઇ ગયું ! તે કહે છે, મારા પતિના મૃત્યુ પર્યંત મારૂ રહેઠાણ બદલાયું હતું. તે બાદ રાશન કાર્ડ ખોવાઇ ગયું હતું. એ કાર્ડ તો નવું નીકળી ગયું પણ, તેમા સુધારા વધારા કરવાના બાકી હતા. જે આ સેવા સેતુ કાર્યક્રમમાં કોઇ પણ મુશ્કેલી વીના થઇ ગયા !
શ્રી મહમ્મદભાઇ કટવારા નામના અરજદાર પોતાને થયેલા મધુપ્રમેહનું તબીબી પરીક્ષણ કરાવવા માટે ખાનગી લેબોરેટરીમાં રૂ. ૬૦થી ૧૦૦ સુધી ચૂકવતા હતા. આજના સેવા સેતુમાં તેનું પરીક્ષણ સાવ નિઃશુલ્ક અને ત્વરિત થઇ ગયું ! સાથે બ્લડ પ્રેશનની પણ તપાસ થઇ ગઇ !
શ્રી મહમ્મદભાઇ ભુંગાની એક અનોખી સમસ્યાનું સમાધાન આ સેવાસેતુ કાર્યક્રમમાં થઇ ગયું. તે કડિયા કામ કરે છે. એટલે, તેના હથેળીની ચામડી ફાટી ગઇ છે. એના કારણે આધાર કાર્ડ કઢાવવા માટે લેવી પડતી બાયોમેટ્રીક થઇ શકતી નહોતી. આ પૂર્વે ત્રણ વખત આધાર કાર્ડ કઢાવવા માટે ગયા હતા. પણ, તેમાં નિષ્ફળતા મળી હતી. હવે, આ સેવા સેતુમાં ટેકનિકલ વ્યક્તિની મદદથી તેના બાયોમેટ્રીક સરળતાથી લેવાઇ ગયા અને એમનું આધાર કાર્ડ માટે એનરોલમેન્ટ થઇ ગયું.
આમ દાહોદ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ નગરજનોને વિવિધ સેવા સરળતાથી અને ત્વરાથી આપવાનું માધ્યમ બની રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: