ધાનપુર-દેવગઢ બારીયાના વિવિધ ગામો ખાતે રૂ. ૬૪૦.૦૯ લાખની ઉદવહન સિંચાઇ યોજનાનો પ્રારંભ કરાવતા રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડ
ધાનપુર-દેવગઢ બારીયાના વિવિધ ગામો ખાતે રૂ. ૬૪૦.૦૯ લાખની ઉદવહન સિંચાઇ યોજનાનો પ્રારંભ કરાવતા રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડ
વિવિધ યોજનાકીય લાભોના અમલીકરણ થકી ખેડૂતોને સમૃદ્ધ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ
– રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડ
દાહોદ, તા. ૬ : પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડે ધાનપુર અને દેવગઢ બારીયાના ૬ ગામો ખાતે નવીન ઉદવહન સિંચાઇ યોજનાનું ખાત મુહૂર્ત કરીને પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ધાનપુરના બોઘડવા, દેવગઢ બારીયાના વડભેટ, દેગાવાડા, કાળીડુંગરી, અભલોડ, મેઘામુવડી ખાતે કુલ ૬૪૦.૦૯ લાખ રૂ. ની ઉદવહન યોજનાઓનો પ્રારંભ રાજ્યમંત્રીશ્રીએ કરાવ્યો છે. આ યોજનાઓ ૧૧ માસના સમયગાળામાં જ સંપન્ન કરવામાં આવશે.
રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, ખેડૂતો સમૃદ્ધ બને અને તેઓ ઝડપી આર્થિક વિકાસ સાધે એ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન મુજબ રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહી છે. આપણો જિલ્લો ખેતીપ્રધાન છે. જિલ્લામાં ખેડૂતો બારેમાસ ખેતી કરી શકે તો ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. સરકાર આ માટે જરૂરી સિંચાઇની વિવિધ યોજનાઓ ઝડપથી અમલીકરણ કરી રહી છે. ખેડૂતો ઊનાળામાં પણ પાક કરી શકે એ માટે સિંચાઇ યોજનાઓ માટે અમે પ્રયાસ કરી રહ્યાં છે.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ યોજનાઓ સફળ રીતે લાગુ કરીને વિજળી, પાણી, શિક્ષણ સહિતની પાયાની બાબતો પર સારા પરિણામ લાવી શકી છે. આવાસ યોજનાઓમાં પણ જે બાકી રહી ગયા છે તેમને આવરી લેવાનો આ વર્ષે પ્રયાસ કરાશે.
તેમણે એમ પણ ઉમેર્યું કે, ગામમાં ઉદવહન યોજના લાગુ થયા બાદ તેનો યોગ્ય રીતે નિભાવ કરવો પણ જરૂરી છે. ત્યારે ગ્રામ્ય સ્તરે મંડળી બનાવીને આ કામ યોગ્ય રીતે કરવું રહ્યું. કોન્ટ્રાકર પણ ત્રણ વર્ષ સુધી સમારકામની જવાબદારી રહેશે પરંતુ ત્યાર બાદ તેની જવાબદારી આપ સૌએ સુપેરે નિભાવવાની રહેશે એમ તેમણે જણાવ્યું હતું.
આ યોજનાઓની વિગતે વાત કરીએ તો કાળી ડુંગરી-ર પટેલ ફળીયા ખાતે રૂ. ૧૧૮.૭૪ લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ ૫૪ લાભાર્થીઓને ૧૬૮ એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે. કાળી ડુંગર ખેડા ફળીયા ખાતે રૂ. ૧૧૫.૫૧ લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ ૫૪ લાભાર્થીઓને ૧૬૮ એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે. કાળી ડુંગરી હોળી ફળીયા ખાતે રૂ. ૮૮.૫૪ લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ ૭૮ લાભાર્થીઓને ૧૫૩ એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે. દેવગઢ બારીયાના મેઘામુવડી ખાતે ખાતે રૂ. ૫૧.૧૩ લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ ૧૯ લાભાર્થીઓને ૯૬ એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે.
અભલોડ ખાતે રૂ. ૮૮.૭૯ લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ ૬૦ લાભાર્થીઓને ૧૬૬ એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે. દેગાવાડા ખાતે રૂ. ૬૮.૯૬ લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ ૩૪ લાભાર્થીઓને ૧૫૫ એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે. વડભેટ ખાતે રૂ. ૧૦૭.૪૧ લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ ૪૮ લાભાર્થીઓને ૨૨૫ એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે.
આ વેળાએ પદાધિકારીશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ, અગ્રણીઓ, કાર્યપાલક ઇજનેરશ્રી, દાહોદ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.