દાહોદને મળી ચાર નવા આરોગ્ય મંદિરની ભેટ, ભૂમિપૂજન કરાયું
દાહોદ નગર અને જિલ્લાની આરોગ્ય સેવાને વધુ બહેતર બનવા જઇ રહી છે. રાજ્ય સરકાર દ્વારા એક અર્બન હેલ્થ સેન્ટર અને ત્રણ કોમ્યુનિટી હેલ્થની નવી બિલ્ડિંગ બનાવી છે. દાહોદ નગરમાં ગરબાડા રોડ ઉપર ગારખાયા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર અને બોરડી, મીરાખેડી તથા સંજેલીમાં બનનારી સીએચસીની નવી ઇમારતનું આજે રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ સ્થળોએ યોજાયેલી સભામાં રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સારી બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ વિસ્તારોમાં આધુનિક સાધનો અને સવલતો સાથે સીએચસી બનવાના છે. એથી દર્દીઓને કોઇ વિશેષ સારવાર માટે શહેર સુધી લાંબુ થવું નહીં પડે. તેમણે આરોગ્યની બાબતમાં રહેલી અંધશ્રદ્ધા દૂર કરવા અપીલ કરી હતી.
તેમણે આયુષ્માન ભારત અને મા કાર્ડની પ્રશંસા કરતા કહ્યું કે, આરોગ્ય સુવિધા માટે આ કાર્ડ કોરા ચેક જેવા છે. રૂ. પાંચ લાખ સુધીની સારવાર સરકારના ખર્ચથી થાય છે. આયુષ્માન ભારત કાર્ડ થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબો માટે મહત્વનું કાર્ય કર્યું છે.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, આરોગ્યની બાબતમાં છેવાડાના જિલ્લા તરીકેની લાંબા સમયની માંગણી રાજ્ય સરકારે સંતોષીને નવી મેડિકલ કોલેજ આપી છે. સરકાર દ્વારા ૩.૫૦ કરોડની સારવાર આદિવાસી પરિવારના ગંભીર બિમારીથી પીડાતા દર્દીની થઇ છે. હવે, રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ શરૂ કરવા જઇ રહી છે. જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોના આરોગ્યની તપાસ થશે.
તેમણે ઉમેર્યું કે, એક સમય એવો હતો કે આપણા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કોઇ દર્દી માંદગીમાં સપડાય એટલે એને ઝોળી કરીને લઇ જવા પડતા હતા. ડુંગરા ઓળંગવા પડતા હતા. તેની સામે આજે ૧૦૮ની સુવિધા મળી છે. એક ફોન કરવાથી એમ્બ્યુલન્સ આવે છે અને દર્દીને દવાખાના સુધી લઇ જાય છે. સાંસદશ્રીએ પણ આરોગ્યલક્ષી બાબતોમાં ભૂવાભરાડીનો આશરો ન લેવાનો અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી યોગેશભાઇ પારગી, ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ધારાસભ્ય શ્રી ભાવેશભાઇ કટારા, ધારાસભ્ય શ્રી વજેસિંહ પણદા, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભૂરિયા, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી જુવાનસિંહભાઇ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી કિષ્નરાજભાઇ ભૂરિયા, કારોબારી સમિતિના ચેરમેન રમણ ભાઈ ભાભોર, નગરપાલિકાના પ્રમુખ શ્રી અભિષેકભાઇ મેડા, પ્રવાસન નિગમન ડીરેકર શ્રી સુધીરભાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેન્દ્ર પરમાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

