દાહોદ જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ

સમગ્ર દાહોદ જિલ્લામાં બે માસ સુધી ચાલનાર શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે ધાનપુર તાલુકાના પીપેરો ગામની શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન જિલ્લાની ૫૩૬૦ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષ સુધીના ૮.૫૦ લાખ છાત્રોના આરોગ્યની તપાસ અને રેફરલ સેવાઓ આપવામાં આવશે.
ઉક્ત કાર્યક્રમને પ્રારંભ કરાવતા રાજ્ય મંત્રી શ્રી ખાબડે કહ્યું કે, આજના બાળકો આવતી કાલનું ભવિષ્ય છે. ભારતનું ભવિષ્ય તંદુરસ્ત રહે એ માટે સરકાર દ્વારા આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે.
પહેલા શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની ચિંતા કોઇને નહોતી. પણ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. તમામ બાળકોના આરોગ્યની તપાસણી થાય છે. જેમાં ગંભીર રોગ હોય તો તેની સરકારના ખર્ચે સારવાર કરાવવામાં આવે છે.
રાજ્યમંત્રીશ્રીએ શાળા આરોગ્ય તપાસણીનું કેલેન્ડર બનાવી, જે દિવસે શાળામાં આ કાર્યક્રમ હોય ત્યારે સો ટકા હાજરી હોય તે બાબતની ચોક્કસાઇ કરી લેવા પ્રેરક સૂચન કર્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઇ પારગીએ કહ્યું કે, જિલ્લા પંચાયત દ્વારા દાહોદના ગ્રામીણ નાગરિકોને સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શાળા આરોગ્ય કાર્યક્રમ દરમિયાન કોઇ બાળકને ગંભીર બિમારી જણાશે તો તેમને વધુ સારવાર માટે સારા દવાખાનામાં મોકલવામાં આવશે.
આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી જુવાનસિંગભાઇ પટેલ તથા અગ્રણી શ્રી પ્રદીપસિંહ મોહનિયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. આર. પરમારે કાર્યક્રમની ભૂમિકા સમજાવી હતી.
ગત્ત વર્ષના કાર્યક્રમ દરમિયાન તૂટેલા હોઠ તથા હદય રોગમાંથી મુક્ત થનારા બાળકનું મહાનુભાવે અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ અગ્રણી શ્રી પ્રતાપસિંહ લવારિયા, શ્રી અભેસિંહ, શ્રી ગોપસિંહ, શ્રી દિનેશભાઇ, શ્રી બી. કે. ચૌહાણ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. અતીત રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!