ઝાલોદ નજીક બિમાર પડેલી રૂપા નામની હાથણીની પશુપાલન ખાતા દ્વારા સારવાર
રાજ્ય સરકારનું પશુપાલન વિભાગનું કાર્યક્ષેત્ર માત્ર દૂધાળા પશુઓની સારવાર પૂરતું ન સીમિત ન હોવાની વાતની પ્રતીતિ કરાવતા એક કિસ્સામાં ઝાલોદ નજીક એક ગામમાં બિમારીમાં સંપડાયેલી એક હાથણીને પુશપાલન વિભાગ દ્વારા ઘનિષ્ઠ પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. માત્ર એક ફોન મળતાની સાથે દોડી ગયેલા પશુપાલન વિભાગે આ હાથણીની બાટલા ચઢાવા સહિતની સારવાર હાથ ધરી છે. બીજા ભાષામાં કહીએ તો એક માનવીને આઇસીયુ જેવી સારવાર મળે એવી સારવાર કરવામાં આવી રહી છે.
ઉત્તરપ્રદેશના ચિત્રકુટથી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વિવિધ ગામોમાં ફરી રહેલા સુભાષગિરિ ગોસાંઇ અને તેની ભક્તમંડળી સાથે રહેલી ૪૫ વર્ષની હાથણી સાવ અચાનકજ બિમાર પડી ગઇ અને હરવાફરવાનું પણ બંધ કરી દીધું હતી. ધરતી પરના સૌથી મોટા જમીની પ્રાણી હાથીનું આયુષ્ય સામાન્ય રીતે સો વર્ષ જેટલું હોય છે. તેની સાપેક્ષે આ રૂપા નામની હાથણીએ તેના જીવનચક્રની અડધી સફર પણ પૂરી કરી નથી. ત્યાં ગંભીર રીતે માંદી પડતા મંડળી ચિંતામાં મૂકાઇ ગઇ હતી. એમાં એમણે દાહોદ જિલ્લા પશુપાલન અધિકારી ડો. કમલેશ ગોસાંઇનો ફોન પર સંપર્ક કર્યો હતો.
ફોન મળતાની સાથે જ ડો. ગોસાઇ અને પશુપાલન વિભાગની ટીમ પશુસારવારની દવા અને સાધનો સાથે ઝાલોદ નજીક સલોપાટ ગામ પહોંચી ગયા હતા. જ્યાં રૂપાનું તબીબી પરિક્ષણ કરવામાં આવતા તેને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન હોવાનું માલૂમ પડ્યું હતું. જેમાં મુત્ર સાથે લોહી નીકળે છે. આ દર્દમાં પશુ બેચેન બની જાય છે, ખાવાનું છોડી દે છે. બેસી જાય અને કોઇ રીતે ઉભું થતું નથી.
પશુપાલન વિભાગ દ્વારા આ હાથણીને એન્ટિ બાયોટીક, ફ્લ્યુડ થેરાપી, એન્ટિ પાયરેટિક, મલ્ટી વિટામિનની ગોળીઓ સાથે સારવાર કરવામાં આવી રહી છે. ડો. ગોસાંઇએ આ સારવાર બાદ રૂપા હાથણી ઝડપથી સારી થઇ જશે, એવો આશાવાદ વ્યક્ત કર્યો છે.