અકસ્માતમાં ધાયલ લોકોને મદદ કરનારને રૂ. ૫૦૦૦ નું ઇનામ અપાશે – કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી
સિંધુ ઉદય ન્યુસ
રોડ એક્સીડન્ટમાં ધાયલ થયેલા લોકોને મદદ કરનાર સામે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કે પુછપરછ નહીં કરાઇ
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટીની બેઠક યોજાઇ
દાહોદ, તા. ૧૩ : કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં કલેક્ટર ડો. ગોસાવીએ રોડ એક્સીડન્ટમાં ધાયલ લોકોની મદદ કરનારને રૂ. ૫૦૦૦/- નું ઇનામ સરકારના ઠરાવ મુજબ કમિટી તરફથી આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં રોડ એક્સીડન્ટમાં ધાયલ વ્યક્તિને તાત્કાલિક સારવારની જરૂરીયાત હોય છે. આવા સમયે જે વ્યક્તિ ધાયલ વ્યક્તિને મદદરૂપ થાય છે તેમને રૂ. ૫૦૦૦ નું ઇનામ અપાશે.
તેમણે ઉમેર્યું કે, રોડ એક્સીડન્ટમાં ધાયલ થયેલા લોકોને મદદ કરનાર સામે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કે પુછપરછ નહીં કરાઇ અને તેમની સામે કોઇ એકશન નહીં લેવાય. આ એક ગુડ સમરીટન એક્ટ ગણાશે એટલે કે પરોપકારી – મદદગાર વ્યક્તિ તરીકે રૂ. ૫૦૦૦ નું ઇનામ આપીને તેનું સન્માન કરવામાં આવશે. રોડ એક્સીડન્ટમાં ધાયલ લોકોને મદદ કરવામાં કોઇ પણ વ્યક્તિએ જરા પણ ખચકાટ રાખવાની જરૂર નથી. રોડ એક્સીડન્ટમાં તુરત સારવારને અભાવે ઘણા લોકો મૃત્યુને ભેંટતા હોય છે. ત્યારે લોકોને રોડ એક્સીડન્ટમાં ધાયલ લોકોની મદદ કરવા માટે આ ઇનામનો પ્રારંભ કરાયો છે.
ડિસ્ટ્રીક્ટ રોડ કમિટીની બેઠકમાં સયુક્ત ચેકિગ ડ્રાઇવ, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ પ્લાનીંગ, સ્પીડ લીમીટ, અકસ્માત સંભવિત ક્ષેત્રમાં સાઇન બોર્ડ લગાવવા તેમજ અકસ્માતના કારણોનું નિવારણ લાવવું, વારંવાર અકસ્માત થતા હોય તે વિસ્તારમાં કારણો-નિવારણ સહિતની બાબતો ઉપર વિગતે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર, ડીવાયએસપી શ્રી એસ.ડી. રાઠોડ, એઆરટીઓશ્રી, રોડ સેફ્ટી કમિટિના સભ્યશ્રી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


