દાહોદ ગુર્જર ભારતી તથા અનુસુચિત જાતિ વિકાસ પરીષદ દ્વારા પૂ. ઠક્કરબાપાની સાર્ધશતાબ્દી ૧૫૦ મી જન્મજયંતિની શાનદાર ઉજવણી
આદિવાસીઓ અને દલિતોના મસીહા પૂ. ઠક્કરબાપાની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી દાહોદ, ગુર્જર ભારતી અને અનુસૂચિત જાતિ વિકાસ પરિષદના મેનેજીંગ ટ્રસ્ટીઅને પ્રમુખ ગોપાલભાઇ ધાનકાના અધ્યક્ષસ્થાને દાહોદ, શ્રી જી.પી.ધાનકા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે પૂ. ઠક્કરબાપાની પ્રતિમાને પૂષ્પાંજલી રેલી, આદિવાસી પારંપરિક લોકનૃત્ય, જીવન પ્રદર્શન તથા બ્લડ ડોનેશન કેમ્પ સાથે શાનદાર રીતે કરવામાં આવી હતી.
ગુર્જર ભારતી સંસ્થાની શાળા, કોલેજોના શિક્ષકો – વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ પૂ. ઠક્કરબાપાના જીવન કવન વિશે હસ્તકલા સાથે તૈયાર કરેલા ચિત્રોનું પ્રદર્શન તથા રંગોળીનું ઉદ્ધાટન કરતા પૂ. ઠક્કરબાપા પરિવારના પ્રપૌત્ર સહદેવભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે પૂ. ઠક્કરબાપા કે અમારા દાદાએ અજ્ઞાન, ગરીબીથી સબડતા, શોષિત એવા દાહોદ પંચમહાલ જેવા વિસ્તારમાં જે તે સમયે પોતાની સેવાભાવી પ્રવૃત્તિ વડે શિક્ષણની જયોત, અંધશ્રદ્ધા, કુરિવાજોમાંથી મુક્તિ અપાવવાનું કાર્ય કર્યું છે તે અમે અહીં આવીને જોયું ત્યારે ખૂબ જ આનંદ સાથે ખૂશીની લાગણી અનુભવીએ છીએ કે જે અમારા પૂર્વજોએ કેવી દારૂણ પરિસ્થિતિમાં તેઓએ કાર્ય સાથે સેવા અદા કરી હશે. ગુર્જરભારતી સંસ્થાના કાર્યોને શ્રી સહદેવભાઇ ઠક્કરે બિરદાવ્યા હતા.
ગુર્જર ભારતી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ગોપાલભાઇ ધાનકાએ પૂ. ઠક્કરબાપાના જીવનકવન સાથે તેઓની આદિવાસી પછાત જ્ઞાતિઓમાં અજ્ઞાનતાને કુરિવાજો, અંધશ્રદ્ધાને દૂર કરવા માટે કરેલા તેમના કાર્યોને વર્ણવતા જણાવ્યું હતું કે પૂ. ઠક્કરબાપાના અથાગ પ્રયત્નોથી આ વિસ્તારમાં શિક્ષણની જયોત સાથે વિકાસની અવિરત યાત્રા આગેકુચ કરતી રહી અને તેના ફળ આજે આપણે માણી રહ્યા છે. તેમને અહીં જોયેલી ગરીબી, અજ્ઞાનતા સાથે તેમનું હ્રદય દ્વવી ઉઠયું અને દેશના અન્ય રાજયોમાં પણ આદિવાસીઓના ઉત્કર્ષ માટે અથાક પ્રયત્નો કર્યા હતા. ત્યારે આ મહાન વિભૂતિની ઉજવણી કયારે સાર્થક ગણાશે કે જયારે આ સમાજમાં કુરિવાજો, અંધશ્રદ્ધા અને ગરીબાઇ સંપૂર્ણપણે દૂર થશે.
અમદાવાદ નિવૃત્ત સંયુકત માહિતી નિયામક દિનેશકુમાર ડિંડોડે પ્રંસગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે છપ્પનિયા દુષ્કાળ દરમિયાન પૂ. ઠક્કરબાપાએ આદિવાસી, પછાત, ભીલ સમાજની પરિસ્થિતિ રાહત કામની તેઓની ફરજ દરમિયાન સુખદેવ વિશ્વનાથ ત્રિવેદીની સાથે એક ગરીબ આદિવાસી પ્રસુત્તાની પીડા જોઇને તેઓનું હ્રદય દ્વવિત થતાં સરકારી નોકરી છોડીને પંચમહાલ, દાહોદ અને દેશના જુદા જુદા વિસ્તારમાં આવેલા આદિવાસી-પછાત શોષિત સમાજને ગરીબી, અંધશ્રદ્ધામાંથી મુક્ત કરવાના દ્ઢ નિર્ધાર સાથે સેવાની અવિરત યાત્રા થકી આજે આ સમાજ સ્વમાનભેર બેઠો થયો છે. ત્યારે પૂ. ઠક્કરબાપાના જીવનમૂલ્યો, કાર્યો, સંદેશાને જીવનમાં ઉતારી તેને આગળ ધપાવવા અવિરત પ્રયાસો કરીએ તેમ શ્રી દિનેશભાઇ ડિંડોરે જણાવ્યું છે.
આ તબક્કે પૂ. ઠક્કરબાપાના પરિવારના પ્રપૌત્રી ડો. નિપાબેન ઠક્કરે ભાવવિભોર થતાં જણાવ્યું હતું કે અમારા પૂર્વજોએ દાહોદ પંચમહાલ અને દેશના અન્ય આદિવાસી વિસ્તારોનો ઉત્કર્ષ કર્યા તે બદલ આનંદની લાગણી અનુભવીયે છે. તેઓની સેવાઓ કાર્યોને આગળ ધપાવવા સુશ્રી નિપાબેને અપેક્ષા વ્યકત કરી હતી.
આ પ્રસંગે અમદાવાદ ગુજરાત યુનિવસિર્ટી, ઇતિહાસ વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર ડો. અરૂણભાઇ વાધેલા, લીમડી મહિલા અધ્યાપન મંદિરના પૂર્વ આચાર્ય અને સમાજ સેવિકા શ્રીમતી ઇલાબેન દેસાઇએ પ્રંસગોચિત પ્રવચન કર્યુ હતું.
આ તબક્કે સંસ્થાના વિદ્યાર્થી નવજયોત ડાભીએ પૂ. ઠક્કરબાપાના જીવન કવન ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શક પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી અમરસિંહભાઇ ગોહિલે સંસ્થાની રૂપરેખા સાથે સ્વાગત પ્રવચન કર્યુ હતું. જયારે આભારવિધી, રેંટીયા હાઇસ્કુલના આચાર્ય શ્રી બાબુભાઇ બામણ્યાએ કરી હતી.
આ પ્રસંગે દાહોદ ભીલ સેવા મંડળના આજીવન ટ્રસ્ટી સર્વે અરવિંદભાઇ ત્રિવેદી તથા શ્રી નરસિંહભાઇ મહિડા, પૂ. ઠક્કરબાપાના અનુયાયીઓ અને આદિવાસી સમાજ સેવકના તેજસ્વી સંતાનો પૂર્વ તકેદારી અધિકારી અનિલભાઇ દીતાભાઇ બામણ્યા, એસ.ટી.ના વિભાગીય નિયામક સુરેશભાઇ લાલચંદભાઇ નિનામા, ભરતભાઇ ડિંડોર, શ્રી અરૂણભાઇ સોલંકી, અશોકભાઇ સોલંકી, પ્રતાપસિંહ કુંવરજીભાઇ પટેલ, સંસ્થાના અગ્રણીઓ, પ્રાધ્યાપકો, શિક્ષકો, શાળા, કોલેજના બાળકો, વિદ્યાર્થીઓ, સમાજના અગ્રણી, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

