લીમખેડામાં ૩.૧૯ કરોડ અને દેવગઢ બારીયામાં ૩.૫૫ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સામુહિક આરોગ્ય કેન્દ્રની ઉ૫લબ્ધ થનારી જનસેવા દૂધીયા ગામે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ
દાહોદ, તા. ૩૦
લીમખેડા તાલુકાના દુધીયા ગામે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધીનો કાર્યક્રમ યોજાયો હતો. રાજય કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જશંવતભાઇ ભાંભોરે વિધીવત રીતે આ વિકાસકાર્યોનો શુભારંભ કરાવ્યો હતો અને દૂધીયા ગામે રૂપીયા ૧૮ લાખના ખર્ચે તૈયાર થયેલા કોમ્યુનિટી હોલની પણ તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યુ હતું. આ ઉપરાંત દેવગઢ બારીયાના ડભવા ગામે ૩.૫૫ કરોડના ખર્ચે તૈયાર થનારા સામુહિક આરોગ્ય કેન્દ્રનું પણ ખાતમુહૂર્ત કર્યુ હતું.
આજ રોજ લીમખેડા તાલુકાના આદર્શ ગામ તરીકે સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા દત્તક લેવાયેલા દૂધીયા ગામમાં મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જશવંત સિંહ દ્વારા વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. જેમાં ૩.૧૯ કરોડના ખર્ચે તૈયાર થનાર સામુહિક આરોગ્ય કેન્દ્ર દુધીયા, ૮.૩૮ કરોડના ખર્ચે તૈયાર થનારો દુધીયા – ડકારા – સીંગવડ બ્રીજ, ૪ કરોડને ખર્ચે તૈયાર થનારું પાવર સબ સ્ટેશન, ૧.૫ કરોડના ખર્ચે મેનરોડ દુધિયા નાળાનું કામ, ૨૦ લાખ રૂપીયાના ખર્ચે તૈયાર થનારું દુધીયા સ્મશાનગૃહ જેવા વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાંસદ જશવંતસિંહ ભાંભોરની ગ્રાન્ટમાંથી ૧૮ લાખના ખર્ચે તૈયાર થયેલા કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડે ગ્રામજનોને શુભેચ્છા વ્યકત કરતા જણાવ્યું હતું કે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર પોતાની વિવિધ યોજનાઓના માધ્યમથી જનસુખાકારીના ધ્યેયને વરેલી છે. ગરીબ અને વંચિતો સુધી આરોગ્ય, શિક્ષણ, સલામતી જેવી મૂળભૂત સુવિધાઓ પહોંચતી કરી છે. આપના ગામમાં પણ આજે વિજળી, રસ્તા, આરોગ્યની સરસ કામગીરી કરવામાં આવી રહી છે. આપ સૌ નાગરિકોએ પણ જાગૃત્ત થઇને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઇએ.
સાંસદ જશંવતસિંહ ભાભોરે આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે આધુનિક સમયમાં સારવાર ઘણી મોઘી થઇ છે ત્યારે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે ધણી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આયુષ્યમાન ભારત યોજના ગરીબ નાગરિકો માટે એક આર્શીવાદ સમાન પુરવાર થઇ રહી છે. આ ઉપરાંત પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્વ દ્વારા પણ જન જન સુધી આરોગ્યની સેવાઓ નિશુલ્ક પહોંચી રહી છે. આ ગામની એકતા અને સંગઠને જ આ ગામને આટલું વિકસીત કર્યુ છે, આપણે સૌ સાથે મળીને ગામમાં વિકાસને નવી દિશા આપીશું.
દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ પણ આ પ્રસંગે ગ્રામજનોને જાગૃત્ત રહી ગામને વિકાસ તરફ સતત અગ્રેસર રાખવા જણાવ્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર, જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પક્ષ પ્રમુખ શંકરભાઇ અમલીયાર, જિલ્લા આરોગ્ય અધિકારી આર.આર. પરમાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.