દાહોદ નગરમાં તા.૬થી ખુલશે જ્ઞાનનો પટારો, પ્રથમ વાર પુસ્તક મેળો યોજાશે
દાહોદ,તા.૫
જીવનમાં ઘણા આનંદ છે તેમાં પુસ્તક વાંચનનો આનંદ કંઇક અનેરો છે. ઘણા પુસ્તકોએ મહાનુભાવોના જીવનમાં મહત્વપૂર્ણ પરીવર્તન લાવ્યું છે. જીવનઘડતર માટે પુસ્તકપ્રેમ અર્નિવાર્ય છે. પુસ્તકોના આ મહત્વને સમજતા દાહોદ નગરમાં ત્રિદિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનું આયોજન દાહોદ નગરમાં પ્રથમ વખત થઇ રહ્યું છે.
દાહોદ નગરમાં સ્વામી વિવેકાનંદ સંકુલ, ગોવિંદનગર ખાતે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહિવટી તંત્ર, દાહોદ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લિમીટેડ અને દાહોદ નગરપાલિકાના સંયુકત ઉપક્રમે શેઠશ્રી ગીરધરલાલ સંસ્કાર કેન્દ્રના સહયોગથી દાહોદ બુક ફેર ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે.
પુસ્તક મેળો ૬ ડિસેમ્બર થી ૮ ડિસેમ્બર એમ ૩ દિવસ માટે સવારના ૧૦ વાગે થી રાત્રીના ૯ વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આ પુસ્તક મેળામાં ગુજરાતના ખ્યાતનામ પ્રકાશનોના ૧૫ થી ૨૦ હજાર પુસ્તકોના વિશાળ સંગ્રહનું પ્રદર્શન અને રાહતદરે વેચાણ કરવામાં આવશે. આ ઉપરાંત સાંજના ૬ થી ૯ સુધી દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પુસ્તક મેળામાં આદિવાસી સંસ્કૃત્તિની ઝલક-પ્રદર્શનીનું પણ આયોજન જિલ્લા માહિતી કચેરી, દાહોદ દ્વારા કરવામાં આવ્યું છે.
દાહોદ શહેરની સાહિત્યપ્રેમી જનતાને પુસ્તક મેળાની અવશ્ય મુલાકાત લેવા જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ અનુરોધ છે.
——————