સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે લીમખેડા વિધાનસભા બેઠક ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો.
રમેશ પટેલ સીંગવડ
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે લીમખેડા વિધાનસભા બેઠક ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો
સાંસદ ખેલ સ્પર્ધાનો આજે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે લીમખેડા વિધાનસભા બેઠક ખાતે ઉપસ્થિત રહીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. સાંસદ ખેલ સ્પર્ધામાં વિવિધ બાર જેટલી રમતોમાં ૧૫ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઇ રહ્યાં છે ત્યારે સાંસદશ્રીએ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તમ પ્રદર્શન કરવા માટેનું આહ્વાન કર્યું હતું.
સાંસદ શ્રી ભાભોરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાનો-વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે આકર્ષિત થાય અને તેમના શૈક્ષણિક કાર્ય સાથે તેમનો રમત ગમત થકી શારીરિક માનસિક વિકાસ થાય એ માટે ખેલ મહાકુંભ સહિતના મહત્વના દૂરંદેશીભર્યા નિર્ણયો લીધા છે. ત્યારે આજે સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ થઇ રહ્યો છે.
તેમણે જણાવ્યું કે, સાંસદ ખેલ સ્પર્ધામાં ૧૫ હજાર જેટલા ખેલાડીઓ ભાગ લઇ રહ્યાં છે. વિવિધ ૧૨
રમતો યોજાઇ રહી છે. જેમાં એથ્લેટીક્સ, કબડ્ડી, હોકી, આર્ચરી, રસ્સાખેંચ, વોલીબોલ, કરાટે, ક્રિકેટ, કુસ્તી, જુડો, સ્વિમિંગ, ખો-ખો સહિતની રમતો રમાશે. વિજેતા ખેલાડીઓને મેડલ, પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાશે. સાત વિધાનસભા બેઠકો જેમાં દાહોદ, ગરબાડા, ફતેપુરા, દેવગઢ બારીયા, લીમખેડા, ઝાલોદ, સંતરામપુર ખાતે રમતો યોજાઇ રહી છે. આ રમતોમાં વિજેતા ખેલાડીઓને જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ લેશે.
કાર્યક્રમમાં રાજ્યકક્ષાએ વિજેતા ખેલાડીઓનું મહાનુભાવોએ સન્માન કર્યું હતું. મહાનુભાવોએ ક્રિકેટમાં ટોસ ઉછાળીને ક્રિકેટનો પ્રારંભ કરાવ્યો હતો. સાંસદશ્રી સહિતના મહાનુભાવોએ ખેલાડીઓને ઉત્તમ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી શૈલેષ ભાભોર, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, લીમખેડા પ્રાંત અધિકારી શ્રી રાજ સુથાર સહિતના અધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયત દાહોદનાં ઉપપ્રમુખશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ અગ્રણીઓ, ખેલાડીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.



