ડાકોર ખાતે ફાગણી પૂનમની ઉજવણી અંગે બેઠક યોજાઈ
નરેશ ગનવાણી બ્યૂરોચીફ – નડિયાદ
ડાકોર ખાતે ફાગણી પૂનમની ઉજવણી અંગે બેઠક યોજાઈ
નડિયાદ: આગામી તા.૭મી માર્ચ ૨૦૨૩ના રોજ ફાગણી પૂનમ નિમિત્તે ખેડા જિલ્લામાં આવેલા ડાકોરના જગપ્રસિધ્ધ રાજા રણછોડરાયના મંદિરે ગુજરાત અને ગુજરાત બહારના રાજયોમાંથી ફાગણી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને પદયાત્રીઓ દર્શનાર્થે આવતા હોય છે. આ પ્રસંગે શ્રધ્ધાળુઓ અને પદયાત્રીઓ સુરક્ષિત વાતાવરણમાં દર્શનનો લાભ લઇ શકે અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે આગોતરા આયોજન અંગે બેઠક યોજાઇ હતી. ફાગણી પૂનમ તહેવારમાં અંદાજે ૧૫ લાખની આસપાસ શ્રધ્ધાળુઓ દર્શનનો લાભ લેશે કલેકટર કે.એલ.બચાણીએ આ પ્રસંગે સંલગ્ન વિભાગો પાસેથી ફાગણી પૂનમને અનુલક્ષીને કરવામાં આવનાર વ્યવસ્થાની જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, ઠાસરા પ્રાંત અધિકાર રિધ્ધિબેન શુકલ, ડાકોર ટેમ્પલ કમિટીના સદસ્યો સહિત જિલ્લાના સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.




