દાહોદ તાલુકાના કઠલા ગામેથી કતલખાને લઈ જવાતા ૨૦ ગાયો પોલીસે કબજે લઈ નજીકની ગૌશાળા ખાતે મોકલી આપી
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના કઠલા ગામેથી મળેલ બાતમીના આધારે પોલીસે ગૌરક્ષકોની મદદ લઈ એક ટાટા અલ્ટ્રા ફોર વ્હીલર ગાડીમાં કતલખાને લઈ જવાતા ૨૦ ગાયો કિંમત રૂ.૧,૨૦,૦૦૦ની સાથે ત્રણ ઈસમો પૈકી બેને ઝડપી પાડ્યાનું જ્યારે એક પોલીસને ચકમો આપી નાસી ગયાનું જાણવા મળે છે. હાલ જ્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં ગૌ તસ્કરીની ઘટનામાં પણ વધારો થવા માંડ્યો છે ત્યારે પોલીસ પણ આ મામલે સતર્કતા દાખવી ગૌ તસ્કરી કરતાં તત્વો સામે લાલ આંખ કરી કામગીરી કરી રહી છે.
ગત તા.૦૫.૧૨.૨૦૧૯ના રોજ દાહોદ તાલુકાના કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગૌરક્ષકોને સાથે રાખી રાત્રીના દશેક વાગ્યા સમયે કઠલા ગામે વોચમાં ઉભી હતી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ અને બાતમીમાં દર્શાવેલ એક ટાટા અલ્ટ્રા ફોર વ્હીલર ગાડી પસાર થતાંની પોલીસે તેનો પીછો કર્યાે હતો. પીછો કરતાં ગાડીને ગોર્ડન કરતાં અંદર સવાર શીવરાજ ઉર્ફે શીવનારાયણ માણેકલાલ પરમાર (ચમાર,રહે.લફાનીયા ગામ,તા.પીપલોદ, જી.રતલામ, મ.પ્ર.), અઝીજ રસીદખાન પઠાણ (રહે.જાવરાસ મેવાતીપુરા, તા.જાવરા, જી.રતલામ, મ.પ્ર) અને શાહરૂખ છોટા કુરેશી (રહે.દાહોદ,કસ્બા) એમ ચારેય જણામાં નાસભાગ મચી જવા પામી હતી જેમાંથી પોલીસે શીવરાજ ઉર્ફે શીવનારાયણ અને અઝીજને ઝડપી પાડ્યા હતા જ્યારે છોટા કુરેશી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતા અંદર પાણી કે ઘાસચારાની વ્યવસ્થા કર્યા વિના અને ક્રુરતા પુર્વક બાંધી રાખેલ ૨૦ જેટલી ગાયો જેની કુલ કિંમત રૂ.૧,૨૦,૦૦૦ ની નજરે પડતાં પોલીસ સ્તબ્ધત થઈ ગઈ હતી. પોલીસે આ તમામ ગાયોને કબજે લઈ નજીકની ગૌશાળા ખાતે મોકલી આપી હતી.
આ સંબંધે કતવારા પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ પશુ સુધારણા અધિનિયમ કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.