બાળ લગ્ન કરવામાં આવે તો બે વર્ષની સખત કેદની સજા અને રૂપિયા એક લાખના દંડની સજા થવા પાત્ર છે.

અમિત પરમાર

બાળ લગ્ન એક દુષણ છે, જેને અટકાવવા એ આપણા સૌની જવાબદારી છે.
માહિતી બ્યુરો મહિસાગરવહીવટી તંત્ર દ્વારા બાળલગ્ન અટકાવવા અને તેનાથી થતી દુરોગામી અસરો જેમ કે બાળકોનું શારિરિક, માનસિક અને ભાવનાત્મક, શૈક્ષણિક વિકાસ પર ગંભીર અસરો અટકાવવા માટે ખાસ નજર રાખવામાં આવશે. બાળલગ્ન પ્રતિબંધક ધારો-૨૦૦૬ સમગ્ર રાજ્યમાં અમલમાં છે. જે અન્વયે જો પુરુષ હોય તો જેણે ૨૧ વર્ષની ઉંમર પૂરી કરી નથી અને જો સ્ત્રી હોય તો જેણે ૧૮ વર્ષની પુરી કરી નથી તેવા બે પક્ષ પૈકી કોઇ પણ પક્ષે નિર્ધારિત ઉંમર પુરી કરેલ ના હોય તેવા યુગલો વચ્ચે લગ્ન થતા હોય તો તેને બાળલગ્ન કહેવામાં આવે છે. બાળ લગ્ન કરાવનાર તમામને જણાવવાનું કે, જો બાળલગ્ન કરવામાં આવે તો લગ્ન કરનાર પુરુષ વ્યક્તિ ૧૮ વર્ષની વયથી ઉપર હોય તો તે, લગ્ન કરનાર પુરુષ અને દિકરી એમ બન્નેના માતા-પિતા, લગ્નનું સંચાલન કરાવનાર, સુચના આપનાર, મદદરૂપ થનાર, સમુહ લગ્નના આયોજકો, હાજરી આપનાર, લગ્ન કરાવનાર ગોર મહારાજ કે અન્ય ધાર્મિક આગેવાનો, બેંડ વાજા અને ડી.જે.ના માલીકો, ફરાસખાના મંડપ સર્વિસ પુરી પાડનાર, રસોઈયા, ફોટોગ્રાફર વગેરેની સામે આ કાયદાની જોગવાઇ હેઠળ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જ્યારે પણ લગ્નનું આયોજન કરવામાં આવે ત્યારે દિકરા દિકરીની ઉંમર ચકાસવી ખુબ જરૂરી છે. જો તેમ કરવામાં ન આવે અને લગ્નનું આયોજન થયા બાદ બાળ લગ્ન અટકાવવામાં આવે છે ત્યારે પરિવારે સમાજમાં શરમજનક પરિસ્થિતીમાં મુકાવવું પડે છે અને કુટુંબની પ્રતિષ્ઠા ઉપર વિપરીત અસર પડે છે. તદઉપરાંત તમામ ખર્ચ પણ માથે પડે છે. બાળ લગ્ન કરવામાં આવે તો બે વર્ષની સખત કેદની સજા અને રૂપિયા એક લાખના દંડની સજા થવા પાત્ર છે.જિલ્લામાં કોઈપણ જગ્યાએ બાળ લગ્ન કરાવવાના આયોજન વિશે માહિતી હોય તો તાત્કાલિક બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નં. ૨, ભોય તળીયે, બ્લોક નંબર-૨, જિલ્લા સેવા સદન, મહીસાગર લુણાવાડા ફોન નં.૦૨૬૭૪-૨૫૨૯૬૮ અથવા E-mail dsdo-mahi@gujarat.gov.in પર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, મહીસાગર ફોન.નં. ૦૨૬૭૪-૨૫૦૫૩૧, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પ લાઈન, ૧૦૦ પોલીસ કંટ્રોલ રૂમ, પર સંપર્ક કરવો. બાળ લગ્ન અટકાવવા અંગેની માહિતી આપનારની ઓળખ સંપુર્ણપણે ગુપ્ત રાખવામા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: