ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશન ખાતે યોજાશે પ્રજાસત્તાક દિન
નરેશ ગનવાની બ્યુરો ચિફ્ નડિયાદ
કલેકટરની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિન કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું
૨૬મી જાન્યુઆરી, ૨૦૨૩ ગુરુવારના રોજ સમગ્ર દેશમાં ૭૪મા પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવશે. ખેડા જિલ્લામાં ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશન, રીક્રિએશનલ ગ્રાઉન્ડ ખાતે પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુભાઈ એમ. ખાબડની મુખ્ય ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ યોજનાર છે. ત્યારે જિલ્લા કલેકટર કે.એલ. બચાણીએ ઉપરોક્ત કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાની હાજરીમાં પ્રજાસત્તાક દિન નિમિતે મીનીટ ટુ મીનીટ કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેકટરએ પ્રજાસતાક દિન માટે યોજાનાર કાર્યક્રમ અન્વયે બેઠક વ્યવસ્થા, રાષ્ટ્ર ધ્વજ પોડિયમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માન થનાર વ્યક્તિઓની યાદી, ટેબ્લો મેનેજમેન્ટ, પાર્કિંગ અને પરેડ નિરીક્ષણ કરી મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ઉલ્લેખનીય છે મંત્રી બચુભાઈ ખાબડની વિશિષ્ટ ઉપસ્થિતિમાં પ્રજા સત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ખૂબ જ ઉત્સાહ પૂર્વક યોજાવા જઈ રહી છે. જેમાં ધ્વજવંદન, વિવિધ વિભાગના ટેબલો, સાંસ્કૃતિક કાર્યક્રમો, જિલ્લા ખાતે વન વિભાગ, ફાયર બ્રિગેડ, રમત ગમત, એમ.એચ.ડબ્લ્યુ, શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોએ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ૧૭ લોકોનું સન્માન કરવામાં આવશે.આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, ઠાસરા પ્રાંત અધિકારી રિધ્ધી શુક્લ સહિત જિલ્લાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.