ઝાલોદ ડબગર સમાજ દ્વારા વસંત પંચમીના તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી
પંકજ પંડિત ઝાલોદ
સવારથી જ ડબગર સમાજના લોકો દ્વારા વ્યાપાર, રોજગાર બંધ રાખી મોટા પ્રમાણમાં ઉજવણીમાં ભાગ લીધો
રાધાકૃષ્ણ મંદિરે ભજન કીર્તન અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું
ઝાલોદ ડબગર સમાજ દ્વારા વસંત પંચમીના પાવન તહેવાર નિમિતે સવારથી જ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને વસંત પંચમીના ઉત્સવમાં સવારથી જ દરેક પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.
વહેલી સવારથી જ ડબગર સમાજના લોકો રાધા કૃષ્ણ મંદિરે દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ડબગર સમાજ દ્વારા સવારના ૧૦ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી રાધા કૃષ્ણ મંદિરે ભજન સંધ્યાનાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં ડબગર સમાજના સહુ કોઈ લોકોએ ભાગ લીધો હતો. ત્યાર બાદ મંદિરમાં રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રાસ ગરબામાં બાળકો મહિલાઓ, વડીલો સહુ કોઈએ રાશ ગરબામાં ભાગ લીધો હતો અને ઉત્સાહ પૂર્વક સહુ કોઈએ ધાર્મિક વાતાવરણ વચ્ચે ગરબા ઘૂમ્યા હતા.બપોર પછી ડબગર સમાજ દ્વારા રાધા કૃષ્ણ મંદિરે થી ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા વાજતે ગાજતે બેંડ બાજા અને ઢોલ નગારા સાથે કાઢવામાં આવું હતી. આ શોભાયાત્રા નગરના દરેક વિસ્તારો માથી ભજન કરતા ગરબા રમતા તેમજ ભગવાનની જય જય કાર સાથે સંપૂર્ણ ધાર્મિક વાતાવરણની વચ્ચે કાઢવામાં આવી હતી. દરેક વિસ્તારોમાં ભગવાનના રથનો સ્વાગત કરવામાં આવતો હતો તેમજ દરેક ભક્તજનો ભગવાનના આશીર્વાદ પણ મેળવતા હતા. દરેક વિસ્તારો માંથી શોભાયાત્રા દરમ્યાન રસ્તા પર ફૂલો અને અબીલ ગુલાલ ઉછાળી સ્વાગત કરવામાં આવતું હતું. શોભાયાત્રા દરમ્યાન ડબગર સમાજની મહિલાઓ તિરંગો લઈ જતા દેશપ્રેમ પ્રગટ થતો જોવા મળતો હતો.શોભાયાત્રા બસસ્ટેશન પાસે આવતા ત્યાં બાળકો, મહિલાઓ, વડીલો અને સમાજના સહુ કોઈ લોકો અહીંયા ગરબે ઘૂમ્યા હતા. ત્યારબાદ છેલ્લે ડબગર વાસમાં શોભાયાત્રા મણીબેન હાઈસ્કૂલ ખાતે પહોંચી પુરી થઇ હતી ત્યાં મહાઆરતી કરી સહુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.