રાત્રીસભામાં છાત્રાએ કહ્યું કે એસટી નથી આવતી અને બે જ દિવસમાં બસસેવા શરૂ થઇ ગઇ

દાહોદ તા.૧૮
સરકાર, જનપ્રતિનિધીની સંવેદના એ વાત પરથી જણાય આવે છે કે એ કેટલી ત્વરાથી પ્રજાની સમસ્યાઓનું સમાધાન લાવે છે. આવી જ સંવેદનશીલતા દાહોદ જિલ્લાના જનપ્રતિનિધી અને તંત્ર દ્વારા હંમેશા દર્શાવવામાં આવે છે તેની પ્રતિતિ ધાનપુર તાલુકાના બોઘડવા ગામના લોકો ગત શુક્રવારની રાત્રીસભા બાદ કરી રહ્યા છે.
અહીંના અંતરીયાળ ગામમાં છાત્રાઓને અભ્યાસ માટે સમયસર શાળાએ પહોંચવા માટે પડી રહેલી અગવડ બાબતે એક છાત્રા દ્વારા રાત્રીસભામાં રજુઆત કરવામાં આવી હતી અને શાળાએ જવા અને પરત આવવાને સમયે એસટી બસ શરૂ કરવા માટે વિનંતી કરી હતી. મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે દાહોદમાં શિક્ષણ એક મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે અને આ બાબતના કોઇ પણ પ્રશ્નોનો જનપ્રતિનિધી અને તંત્ર દ્વારા ત્વરિત નિરાકરણ લાવવામાં આવે છે.
મંત્રી શ્રી બચુભાઇ ખાબડે આ એક સંવેદનશીલ બાબત હોય કલેક્ટર શ્રી વિજય ખરાડીને તાત્કાલીક પગલા લેવા જણાવ્યું હતું અને છાત્રાને ખાતરી આપી હતી કે બોઘડવા ગામને જલ્દી જ બસની ફાળવણી કરવામાં આવશે. અને ફકત બે જ દિવસમાં તંત્ર દ્વારા બારીયા થી બોઘડવા ગામ જવા માટે સવારે ૧૦ વાગે અને સાંજે ૫.૧૦ વાગે નવીન એસટી બસ ટ્રીપની શરૂઆત કરવામાં આવી હતી.
જયારે શાળાએ જવાના સમય પહેલા એસટી બસ આવી પહોંચતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી અને સૌ વિદ્યાર્થીઓ ઉમંગભેર શાળાએ જવા બસમાં બેસી ગયા હતા. વિદ્યાર્થીઓની ખૂશી બેવડાવાનું બીજું કારણ એ પણ હતું કે ઘરે પરત આવવા માટે પણ શાળા છૂટવાના સમયે આ એસટી બસ આવી પહોંચવાની હતી. આ ઉપરાંત બોઘડવા ગામ માટે અન્ય નવી એસટી બસ ટ્રીપ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આમ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી અસરકારક કામગીરીનો અનુભવ રોજેરોજ નાગરિકો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!