સંસદ જશંવતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં દિશાની બેઠક યોજાઇ આરોગ્ય પોષણ શિક્ષણ જેવી પાયાની બાબતો પર નક્કર કામગીરી કરવા સાંસદશ્રીએ ભાર મૂકયો
દાહોદ તા.25
દાહોદ જિલ્લાની ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનીટરીગ કમીટીની બેઠક સીંગવડ તાલુકાના ચુંદડી ગામે આવેલા કબુતરી ડેમ ખાતે યોજાઇ હતી. જિલ્લાના સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી.
બેઠકમાં જિલ્લામાં વિવિધ વિભાગોની યોજનાઓ અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. યોજનાઓના લક્ષ્યાંક સમયમર્યાદામાં હાંસલ કરવામાં આવ્યા છે કે નહિ અને કયાં ત્રુટી રહી જાય છે તેની સમીક્ષા કરી પ્રજાહિતના કાર્યો ત્વરાથી કરવામાં આવે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના અને પ્રધાનમંત્રી જીવનજયોતિ યોજના ગરીબ મધ્યમવર્ગ માટે ખૂબ ઉપયોગી સાબિત થતી હોય લોકોમાં યોજના વિશે જાગ્રૃતિ લાવી યોજનાનો લાભ લેવા શિબિરો યોજવા જણાવ્યું હતું. આ ઉપરાંત વૃદ્ધો, વિધવા બહેનો અને દિવ્યાંગો માટેની યોજનાઓમાં કોઇ યોગ્ય લાભાર્થી રહી ન જવો જોઇએ તેની તકેદારી લેવા સાંસદશ્રીએ જણાવ્યું હતું. જિલ્લાની સિંચાઇ યોજનાઓનો લાભ દરેકે દરેક ગામ અને ફળીયાને મળતો થાય તે રીતનું આયોજન કરવા અધિકારીશ્રીને સૂચના આપવામાં આવી હતી. જિલ્લામાં વિજળી બાબતે ઘણા બઘા પ્રશ્નો હોય એમજીવીસીએલને આ બાબતે ત્વરીત જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, પોષણ, આવાસ જેવી પાયાની બાબતો વિશે વિગતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જિલ્લામાં એક પણ માતામરણ કે બાળમરણ ન થવું જોઇએ એમ જણાવ્યું હતું. બેઠકના અધ્યક્ષ શ્રી જશવંતસિંહ ભાભોરે શાળામાં વિદ્યાર્થીઓના હાજરી અને નિયમિતતા પર ભાર મૂકયો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ થઇ રહેલી કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. સાંસદશ્રીએ બાળકોમાં કુપોષણ બાબતે ચિંતા વ્યકત કરી હતી અને આ બાબતે નક્કર કામગીરી કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં ગરબાડાના ધારાસભ્યશ્રી ચંદ્વિકાબેન બારીયા, ફતેપુરાના ધારાસભ્યશ્રી રમેશભાઇ કટારા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સી. બી. બલાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.