રાસાયણિક ખાતરને સ્થાને વાપરો અમૃત્ત સમાન જીવામૃત્ત અને મેળવો મબલખ ઉત્પાદન
દાહોદ તા.૨૬
પ્રાકૃતિક ખેતીથી મબલખ ઉત્પાદન મેળવી શકાય છે. જમીન ખરાબ થતી નથી. રાસાયણીક ખાતરો કે જંતુનાશક દવાઓ વિનાની ખેતીથી થતા પાક સ્વાસ્થ્યની દ્વષ્ટ્રીએ પણ ઉત્તમ છે અને આધુનિક સમયમાં તેની વ્યાપક માંગ જોવા મળે છે. રાજય સરકાર પણ ખેત ઉત્પાદનો માટે રજીસ્ટ્રેશન ફી ખર્ચ ઉપર હેકટરે રૂ.૨૦૦૦ ની મર્યાદામાં સહાય કરે છે. પ્રાકૃતિક ખેતી શીખવવા માટે ખેડૂતોને જિલ્લામાં આત્મા અને ખેડૂત તાલીમ કેન્દ્ર દાહોદ દ્વારા તાલીમ આપવામાં આવે છે. પ્રાકૃત્તિક ખેતીથી ઉત્પાદન ખર્ચ પણ ઘટે છે. પ્રાકૃતિક ખેતી શીખવા માટે આત્મા યોજના અને ખેડૂત તાલીમ કેન્દ્ર, દાહોદનો સંપર્ક કરવો.
ખેડૂતો રાસાયણીક ખાતરને બદલે જાતે જ બનાવી શકાતા જીવામૃતનો ઉપયોગ કરી રાસાયણીક ખાતર કરતા પણ વધુ અસરકારક પરીણામો મેળવી શકાય છે. દાહોદ જિલ્લાના આત્મા પ્રોજેકટ ડાયરેકટરશ્રી દ્વારા જણાવ્યા મુજબ રાસાયણિક ખાતર આ મુજબ બનાવી શકાય છે.
૨૦૦ લીટરના બેરલમાં પાણી + ૧૦ લિટર દેશી કે ગીર ગાયનું ગૌમુત્ર + ૧૦ કિગ્રા દેશી ગીર ગાયનું છાણ + ૧ મુઠી વડ નીચેની માટી + ૧ કિ.ગ્રા. દેશી ગોળ + ૧ કિ.ગ્રા. ચણાનો લોટ લેવો. આ મિશ્રણને બેરલમાં ઘડિયાળના કાંડાની દિશામાં સવાર સાંજ ૧ – ૧ મિનિટ માટે હલાવવું. આ પ્રક્રીયા ૭ દિવસ ચાલુ રાખવી. મિશ્રણને છાયાંમાં રાખવું. કોઇ પણ પાકમાં પિયત પાણી સાથે, ઊભા પાક પર ગાળીને છંટકાવ અથવા સીધું પાકની હારમાં જમીન પર આપી શકાય. આ મિશ્રળનો ૧૫ દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે. પ્રતિ એક ૨૦૦ લીટર જીવામૃતને પાક મુજબ મહિનામાં ૧ થી ૨ વખત સવારે અથવા સાંજના સમયે આપવું. જિવામૃતને ગાળ્યા બાદ ટપક સિંચાઇ પદ્ધતિ દ્વારા પણ પાકમાં આપી શકાય છે. બાગાયતી પાકોમાં છોડની ઉંમર મુજબ ૨૦૦ મિલીથી ૧૦ લીટર પ્રતિ છોડના માપથી જિવામૃત છોડના છાંયાની કિનારી આપી શકાય છે.
જીવામૃત બનાવવું સાવ સરળ છે અને એ માટે અલગથી બહારથી કંઇ લાવવાની જરૂર પડતી નથી.આ જીવામૃતના ઉપયોગથી ખેડૂતો રાસાયણીક ખાતર કરતા પણ વધુ ઉત્પાદન એ પણ સાવ નજીવા ખર્ચે મેળવતા થયા છે. ખેડૂતોએ જીવામૃત બનાવતા શીખીને તેના ઉપયોગથી ઉત્પાદન વધારવું જોઇએ.