નડિયાદ નગરપાલિકામાં આગ લાગતાં વાહનોના કિંમતી દસ્તાવેજો બળીને ખાખથઈ ગયા છે.
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ નગરપાલીકામાં આવેલ ઓટો વિભાગની ઓફિસમાં મંગળવારે સવારે આગ લાગીતા દોડધામ મચી ગઇ હતી. આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે આગ બંધ ઓફીસમાં અગાઉ કેટલાક કલાકોથી લાગેલ હોવાના કારણે ઓટો વિભાગની ઓફિસના તમામ ડોક્યુમેન્ટ્સ સહિત ફર્નિચર બળીને ખાખ થઇ ગયા હતા. ઓટો વિભાગના એન્જિનિયર દીપક બારોટ જણાવે છે કે, મને સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ મારા ડ્રાઇવર મારફતે આ ઘટના અંગેની જાણ થઈ હતી. જેથી તરતજ કચેરી આવી ગયો હતો. જોયું તો રૂમની તમામ બારીઓ સળગતી હતી. અંદર જવાય એવી પરિસ્થિતિ નહોતી. ઉપરની સાઈડે વાયર સળગતા મેં ઇમર્જન્સા ટુલ્સ મારફતે આ વાયરોને કાપી દીધા હતા. અને બનાવ અંગેની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ આવી ગઇ હતી. અંદર જોયું તો રૂમની અંદર ચારેય બાજુની આગ પ્રસરેલી હતી. આ આગમાં પાલિકાના તમામ વાહનોના ડોક્યુમેન્ટ ખાસ કરીને જુના વાહનોના હિસ્ટ્રી રજીસ્ટરો, ડીઝલ રજીસ્ટરો, લોગસીટો આરસી બુકો જે અમે દર મહિને મેન્ટેન કરતા હતા તે તમામ જુના હિસ્ટ્રી રજીસ્ટરો, સ્પેરપાર્ટ દસ્તાવેજો સહિત અગત્યના પુરાવા આગમાં નષ્ટ થઈ ગયા છે. મેં જેટલા બચાવાય તેટલા બચાવવાના પ્રયાસ કર્યો છે. બહારની તિજોરીમાં નવા વિહક્લની આર સી બુકો હતી તે બચી ગઈ છે. પરંતુ અંદરની તીજોરીમાં મુકેલ જુના વાહનોના દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા છે. ફાયરમેન અશોક શર્મા જણાવ્યું હતું કે, અમને ફોન કોલ મળતા તુરંત અમે અમારા સ્ટાફ સાથે અહીંયા આવી પહોંચ્યા હતા. દરવાજો ખોલીને જોઈ તો બે રૂમમાં આગ લાગેલી હતી. તેમણે જણાવ્યું કે આગ પ્રથમ દ્રષ્ટિએ ઓફિસમાં ઉપરથી ઈલેક્ટ્રીકની પાઇપ આવતી હતી. તેમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન છે. આગ બે રૂમમાં લાગતા મોટા ભાગના પાલિકાના વાહનના દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા છે.





