જાણો ૧૦ પ્રકારની વનસ્પતિમાંથી કઇ રીતે બનાવી શકાય અસરકારક જંતુનાશક દવા
દાહોદ, તા. ૩૧ : વિશ્વમાં જેમ જેમ લોકોની આરોગ્ય પ્રત્યેની સભાનતા વધતી જાય છે તેમ વધુ ને વધુ લોકો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થતા આહારનો દૈનિક આહારમાં સમાવેશ કરતા થયા છે. ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીના અનેક ફાયદાઓ જોતા પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે. મોંઘા ભાવના રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના સ્થાને પ્રાકૃતિક ખેતીથી વધુ ઉત્પાદન, ઓછો ખર્ચે બમણી આવક મેળવી શકાય છે. ખેડૂતોને આ માટે આત્મા યોજના અને ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા તાલીમ પણ આપવામાં આવે છે. રાસાયણિક ખાતરની જગ્યાએ જીવામૃત ખેડૂતો જાતે બનાવી શકે છે. એ જ રીતે પાક રોગમાં જીવાત નિયંત્રણ માટે રાસાયણિક જંતુનાશક દવાના સ્થાને ખેડૂતો ખેતરે જાતે વિવિધ વનસ્પતિઓમાંથી જંતુનાશક દવા સાવ નજીવા ખર્ચે સરળતાથી બનાવી શકે છે.
આ જંતુનાશક દવાથી બધા જ પ્રકારના કિટકો, ઇયળો, થ્રીપ્સ, ફુગ, ચુસીયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ અસરકારક રીતે કરી શકાય છે. આ માટે પ્રથમ દિવસે ૨૦૦ લીટર પાણીમાં ૨૦ લીટર ગૌમુત્ર, ૨ કિગ્રા તાજું છાણ ઉમેરી ર કલાક ઢાંકી રાખવું. ત્યાર બાદ મિશ્રણમાં ૫૦૦ ગ્રામ હળદર પાવડર + ૫૦૦ ગ્રામ આદુની ચટણી + ૧૦ ગ્રામ હીંગ પાવડર નાખવો. બીજા દિવસે ઉપરોકત મિશ્રણમાં ૧-૨ કિલો તીખી મરચીની ચટણી + ૫૦૦ ગ્રામ દેશી લસણની ચટણી + ૧ કિલો તમાકુનો પાવડર નાખી અને હલાવીને છાયામાં રાખવું. ત્રીજા દિવસે ઉપરોક્ત મિશ્રણમાં ૨ કિગ્રા કડવા લીમડાના પાન નાની ડાળી સાથે + ર કિગ્રા કરંજના પાન + ર કિગ્રા સીતાફળના પાન + ર કિગ્રા એરંડાના પાન + ર કિગ્રા ધતુરાના પાન + ર કિગ્રા બિલીપત્ર + ર કિગ્રા નગોડના પાન + ર કિગ્રા તુલસીના પાન માંજર સાથે + ર કિગ્રા ગલગોટાના પાન + ર કિગ્રા કડવા કારેલાના પાન + ર કિલો બાવળના પૈડીયા + ૨ કિગ્રા આંકડાના પાન + કિગ્રા આંબાના પાન + ર કિલો જાસુદના પાન + ર કિલો જામફળના પાન + ર કિગ્રા પપૈયાના પાન + ર કિગ્રા હળદરના પાન + ર કિગ્રા આદુના પાન + ર કિગ્રા કરણના પાન + ર કિગ્રા રામ બાવળના પાન + ર કિગ્રા બોરડીના પાન + ર કિગ્રા કુવાડીયોના પાન + ર કિગ્રા જાસુદના પાન + ર કિલો ઘાબાજરીયુ + ર કિગ્રા ગળો. ઉપરોકત કોઇ પણ દસ વનસ્પતિના પાનની ચટણી મિશ્રણમાં ડુબાડો. મિશ્રણને ૩૦ થી ૪૦ દિવસ સુધી સવાર સાંજ ૧ – ૧ મિનિટ હલાવી મિશ્રણને કપડાથી ગાળી સંગ્રહ કરવો.
આ તૈયાર જંતુનાશક દવાને કોઇ પણ ઉભા પાકમાં પ્રતિ એકર ૨૦૦ લીટર પાણીમાં ૬ થી ૮ લીટર નાંખી છાંટવું. તેનાથી બધા જ પ્રકારના કિટકો, ઇયળો, થ્રીપ્સ, ફુગ, ચુસીયા પ્રકારની જીવાતોનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. જંતુનાશક દવાનો ૬ માસ સુધી ઉપયોગ કરી શકાય છે.
ખેડૂતો એ આ જંતુનાશક દવાઓ બનાવતી વખતે વિશેષ કાળજી રૂપે મોં ઉપર રૂમાલ બાંધવો અને આ દવા બાળકોની પહોંચથી દૂર રાખવી ખૂબ જરૂરી છે. આત્મા યોજના અને ખેડૂત તાલીમ કેન્દ્ર, દાહોદ દ્વારા ખેડૂતોને નિ:શુલ્ક પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવે છે.