રાજ્ય સરકારની લોન લઇ લીમડીના પ્રિયાબેન બન્યા વ્યવસાયી, રૂ.૧૫થી ૨૦ હજારની માસિક આવક

જો તમારી ઇચ્છા શક્તિ પ્રબળ હોય તો તમે ગમે તેવી મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી શકો છે. ખાસ કરીને આર્થિક રીતે સમક્ષ બનવા માટે યોગ્ય પ્રયત્નોની આવશ્યક્તા હોય છે. જો તમારી મહેનત પ્રમાણિક હોય તો મદદ ગમે તે સ્વરૂપે મળી આવે છે. આવી વાત લીમડી ગામમાં રહેતા વ્યવસાયી શ્રીમતી પ્રિયાબેન કમલેશકુમાર દરજી સાબીત કરી બતાવે છે. તેમણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત લીધેલી લોન અને મહેનત કરી શરૂ કરેલો વ્યવસાય આજે ફૂલ્યોફાલ્યો છે. લીમડી ગામમાં તેમની કરિયાણા અને ઝેરોક્સની દૂકાન છે.
મૂળ મધ્યપ્રદેશના અને પરણીને લીમડી ગામમાં આવેલા ૨૭ વર્ષીય શ્રીમતી પ્રિયાબેનના પતિ શ્રી કમલેશભાઇ સિઝનલ વસ્તુઓનો વેપાર કરે છે. શિયાળામાં પતંગ તો ઉનાળામાં શેરડી-કેરી, સ્ટેશનરી ! આવી વસ્તુઓનો વેપાર કરે છે. પરિવાર આખો ટીફીન સર્વિસ પણ ચલાવે છે. આમ, કરીને તેઓ ઘરના બે છેડા ભેગા કરવાનો પ્રયાસ કરે છે.
એવા એક દિવસ પતિના વ્યવસાયનો વિસ્તાર કરી કરિયાણાની દૂકાન શરૂ કરવાનો વિચાર આવ્યો ! પણ, આ વ્યવસાય કરવા માટે પોતાના ઘરમાં દૂકાન છે, તેમાં આ વ્યવસાય કરવા માટે પ્રિયાબેને પોતાના પતિ પાસે પ્રસ્તાવ રાખ્યો ! પણ, કરિયાણાની દૂકાન શરૂ કરવા માટે વધુ મૂડીની જરૂરત હતી. કમલેશભાઇએ લોન કેવી રીતે મળે ? એની શોધ ચલાવી. એમા અખબારના માધ્યમથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની બાજપાઇ બેંકેબલ યોજનાની માહિતી મળી.
ઉક્ત યોજના હેઠળ ૧૮થી ૬૫ વર્ષના અને ધોરણ ૪થી વધુ અભ્યાસ કર્યો હોય, વ્યવસાયને અનુરૂપ તરણ માસની તાલીમ કે ધંધાનો એક વર્ષનો અનુભવ ધરાવતા કોઇ પણને લોન મળે છે. પ્રિયાબેને દાહોદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં આ યોજના હેઠળ લોન માટે અરજી કરી. તેની સાથે રાશનકાર્ડની નકલ, જાતિના દાખલો, આધાર કાર્ડ, અભ્યાસના પૂરાવા, કોટેશન બિલ, અનુભવનું પ્રમાણપત્ર, ઘરવેરા પહોંચ-લાઇટબિલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ફોટા સાથે કરેલી અરજીની ચકાસણી કરી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લોન માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લીમડી શાખાને ભલામણ કરવામાં આવી.
બેંક દ્વારા રૂ. સાડા ત્રણ લાખની લોન મંજૂર કરવામાં આવી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રૂ. ૮૦ હજારની સહાય આપવામાં આવી. આ લોન લઇ પ્રિયાબેને એકાદ વર્ષ પહેલા વ્યવસાય શરૂ કર્યો. એક ઝેરોક્સ મશીન મૂક્યું. કરિયાણાનો સામાન લાવ્યા.
દૂકાન સારા લોકેશન ઉપર હોવાથી પ્રિયાબેનનો વ્યવસાય ધમધોકાર ચાલવા લાગ્યો. પોતાના પતિને ખભેથી ખભે મિલાવી કામ કરવા લાગ્યા. તેઓ દૂકાનમાંથી મહિનેદાડે રૂ. ૧૫થી ૨૦ હજારની આવક કરે છે. હવે, તેઓ આર્થિક રીતે સમક્ષ બન્યા છે. એક પુત્રી અને એક પુત્રને સારી રીતે અભ્યાસ કરાવી શકે છે.
આમ, પ્રિયાબેન દરજી મહિલા શક્તિનું એક સારૂ ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: