ખેડુતોના નામે બારોબાર લોન મંજુર કરી રૂપીયાની ઉચાપત કરવાનું કૌંભાડ સામે આવ્યું.
પંકજ પંડિત ઝાલોદ
દાહોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં ખેડુતોના નામે બારોબાર લોન મંજુર કરી રૂપીયાની ઉચાપત કરવાનું કૌંભાડ સામે આવ્યું છે. આ મામલે ખેડુતોએ પુર્વ ઓફિસ સહિત ચાર સામે ફરિયાદ નોંધાંવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે.દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને ખાસ કરીને ખેડુતો કાયદાઓની જાણકારી હોતી નથી જેનો લાભ લેભાગુ તત્વો દ્વારા ઉઠાવવામાં આવતો હોય છે. આવોજ કિસ્સો ઝાલોદ નગર ખાતેથી સામે આવ્યો છે. ઝાલોદ નગરમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચ કૃષિ લોનમાં મસમોટુ કૌંભાડ સામે આવ્યું છે જેમાં વર્ષ ૨૦૨૧માં ધાવડીયા ગામના ખેડુતો દ્વારા કૃષિ લોન માટે બેન્કમાં અરજીના કાગળો તૈયાર કરવામાં આવ્યાં હતાં ત્યાર ખેડુતોને લોનના વાયદાઓ પર વાયદાઓ કરીને ધિરાણ આપવામાં આવ્યું ન હતું. ખેડુતોએ કૃષિ લોન માટે અનેક ધરમના ધક્કા ખાધા હતાં ત્યારે વર્ષ ૨૦૨૩ જાન્યુઆરી માસમાં ખેડુતોને સ્ટેટ બેન્કના વકીલ મારફતે એકાએક ધિરાણ ભરવા માટેની નોટીસ આવતાં ખેડુતો ચોંકી ગયાં હતાં. ખેડુતોએ આ મામલે બેન્કમાં તપાસ કરતાં ખેડુતોના નામે બારોબાર ધિરાણ લઈને લાખ્ખો રૂપીયાની ઉચાપત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ધાવડીયા ગામે રહેતાં રમેશ મહીડાની સીસી લોનમાં ૪૨,૭૨૪, સંજય ભાભોરને ૧,૬૩,૦૦૦, ગરાસીયા રૂમાલભાઈને ૫૨,૯૦૦ ના લોનની નોટીસ આપવામાં આવી હતી. ખેડુતોએ આ મામલે પુર્વ ફિલ્ડ ઓફિસર સહિત ચાર સામે ફરિયાદ નોંધાંવી છે. હાલ તો આવા ત્રણ ખેડુતો સામે આવ્યાં છે ત્યારે આંકડો વધુ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.ઝાલોદ પોલીસ મથકે પુર્વ ફિલ્ડ ઓફિસર રાજેન્દ્ર ડાભી, મેનેજર દિનેશ નિસરતા, એજન્ટ ભાભોર ધુળાભાઈ, પટાવાળા રાહુલ ચારેલ અને ક્લાર્ક દિલીપ કલારા સામે ફરિયાદ નોંધાંતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.——————————-