નડિયાદ જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે તૃતિય સમૂહ લગ્નોત્સવ યોજાયો.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદમાં સેવા કરી રહેલ જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે રવિવારના શુભ દિને ૨૧ દિકરીઓના લગ્ન કરાવ્યા છે. આ દિકરીઓ માં મોટા ભાગની દિકરીઓ પિતા અથવા માતાની છત્રછાયા ગુમાવી બેઠેલી દિકરીઓ તો કોઈ અનાથ દિકરીઓ હતી.
નડિયાદ જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે તૃતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી ૨૧ દિકરીઓને એક માંડવે ભેગી કરી સમાજના રીતી રીવાજ મુજબ લગ્ન કરાવ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શાળા નંબર ૫ ખાતે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત આબાદ વરઘોડો, હસ્તમેળાપ અને એ બાદ હાજર રહેલા મહાનુભાવો આર્શીવચનનો કાર્યક્રમ યોજાયો હતો.
સેવાનગરી નડિયાદમાં આ સમૂહ લગ્નોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયા હતા. જાનૈયાઓનો અલગ જગ્યાએ ઉતારાથી માંડીને વરઘોડો સહિત તમામ વિધીસર લગ્ન કરાયા હતા. જેમાં સાધુ સંતોએ આ નવ દંપતિને આર્શિવચન પાઠવ્યા હતા. આ પ્રસંગે પૂ.જયરામદાસજી મહારાજ, સંતરામ મંદિર નડિયાદના નિર્ગુણદાસજી મહારાજ સહિત અનેક સંતો અને મુખ્ય દેવાંગભાઈ ઈપ્કોવાળા તેમજ તેમના પરિવારજનો, ધારાસભ્ય પંકજ દેસાઈ, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સહિત વિવિધ ધાર્મિક, સામાજીક સ્વૈચ્છિક સંસ્થાઓના વડા હાજર રહ્યા હતા. આ પ્રસંગે જય માનવ સેવા પરિવારના મનુ મહારાજ, ભારતીબેન જોષી અને પરિવારના વડીલ અગ્રણીઓ હાજર રહ્યા હતા. તો મહત્વની વાત છે કે, અહીંયા દિકરાના ઘર (વૃદ્ધાશ્રમ)માં વસવાટ કરતા ૧૦૦થી વધુ વડીલોએ આ નવ યુગલોને આર્શીવાદ આપ્યા હતા. લગ્નમા લગભગ ૪ હજાર જેટલા માણસો હાજર રહ્યા હતા અને તમામનો જમણવાર પણ કરાયો હતો.
અને છેલ્લે કન્યા વિદાય ટાંણે પણ આ માંડવેથી વિદાય લઈ રહેલી દિકરીઓ પોતાના માવતરને ભેટી રડતી જોવા મળી હતી જે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.આમ આ સંસ્થાએ ૨૧ દિકરીઓના લગ્ન કરાવી માતા-પિતાની ગરજ સારી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.





