મહેમદાવાદ ખાતે મધમાખી પાલન તથા પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
મહેમદાવાદ ખાતે મધમાખી પાલન તથા પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં જાળીયા ગામે કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં નાયબ બાગાયત નિયામકની, ખેડા-નડિયાદની કચેરી દ્વારા ખેડૂતો માટે મધમાખી પાલન તથા પ્રાકૃતિક ખેતીની એક દિવસીય તાલીમ યોજાઈ હતી. જાળીયા ગામના ૯૦% ખેડૂતો મધમાખી ઉછેર સાથે સંકળાયેલા છે ત્યારે આ તાલીમ ગામના તથા જિલ્લાના ખેડૂતો માટે ખૂબ જ્ઞાનસભર સાબિત થઈ હતી.આ તાલીમમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી કઈ રીતે ઓછા ખર્ચમાં વધુ પૈસા કમાઈ શકે તે કલેક્ટર કે.એલ.બચાણી દ્વારા સમજાવવામાં આવ્યું હતું. સાથોસાથ કલેક્ટર એ જાળીયા ગામના ખેડૂતોની કામગીરી બિરદાવી ગુજરાત સરકારની મધમાખી મિશન યોજનાની ઉપયોગી માહિતી આપી હતી.
કલેક્ટરએ જાળીયા ગામના ખેડૂત અર્જુનભાઈની કામગીરી બિરદાવી અને મધમાખી ઉછેરમાં સરકાર દ્વારા મળતી સહાયની જાણકારી આપી ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો. તેઓએ પ્રાકૃતિક ખેતી અને મધમાખી ઉછેરમાં સબસીડી અંગેની માહિતી પણ ખેડૂતોને આપી હતી. પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને બળ મળે તે માટે કલેક્ટરએ પ્રેરણા આપી હતી. સાથોસાથ જિલ્લાના ખેડૂતોને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા યોગ્ય મદદ તથા માહિતી મળી રહે તે માટે તેઓએ ડી.આઈ.સીના અધિકારીને યોગ્ય સૂચના આપી હતી.
કલેક્ટર કે.એલ. બચાણીએ જણાવ્યું કે મધમાખી ઉછેરનો અર્થ ખેડૂતોની આવકમાં વધારો અને ગ્રાહકના સ્વાસ્થ્યમાં સુધારો છે. મધમાખી ઉછેરની માહિતી આપતા કલેક્ટરએ જણાવ્યું કે આ ઉદ્યોગથી ગ્રામીણ રોજગાર પેદા થઇ શકે છે અને ખેત ઉત્પાદન વધી શકે છે. ગામનો કોઈ પણ વ્યક્તિ મધમાખી ઉછેર કરી શકે છે. મધમાખી ઉછેર પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપે છે અને પર્યાવરણને જાળવી રાખે છે તેમ તેઓએ જણાવ્યું હતું.
કલેક્ટરએ મધમાખી દ્વારા તૈયાર થતી પ્રોડક્ટની પ્રક્રિયાની રૂબરૂ મુલાકાત લઈ નિહાળી હતી. જેમાં રોયલ જેલી, પરાગરજ, વબી વેક્સ વિષે કલેક્ટર દ્વારા જાણકારી મેળવવામાં આવી. ખેડૂતો દ્વારા મધ કેવી રીતે કાઢવામાં આવે છે તેના વિશે વિષે જાણ્યું.
ગુજબી એફપીઓના ડાયરેક્ટર દિપેનભાઈ પટેલે કલેક્ટરને સેરેના મધમાખી અને ટ્રાયગોના મધમાખી વિષે માહિતી આપી જણાવ્યું કે મધમાખી ઉછેર વ્યવસાયમાં મધ તો મળે જ છે પણ તેની સાથોસાથ પરાગરજ, રોયલજેલી જેવી કેટલીક અન્ય પેદાશો પણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ શ્રી દીપેને મધમાખી ઉછેરના ફાયદા જણાવતા જણાવ્યું કે એપીથેરાપીથી ડાયાબિટીસ રોગમાં ફાયદો તથા સંધિ વા રોગમાં થતા ફાયદા વિષે જણાવ્યું હતું. આ ઉપરાંત વેક્સ કોટિંગથી ફ્રૂટને લાંબા સમય સુધી સાચવી શકાય છે. આ ઉપરાંત કોસ્મેટિક ઉદ્યોગોમાં મધમાખી વેકક્સના ઉપયોગોની જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બાગાયત નિયામક પી.એમ.વઘાસીયા, પ્રાંત અધિકારી અંન્દુ સુરેશ ગોવિંદ, નાયબ બાગાયત નિયામક સ્મિતા પિલ્લાઈ તેમજ બાગાયત ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.