મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ‘ગુજરાત પોષણ અભિયાન વર્ષ ૨૦૨૦’ નો રાજયવ્યાપી પ્રારંભ દાહોદ જિલ્લાથી કરાવશે
દાહોદ તા.૧૭
રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તા. ૨૩ જાન્યુઆરીના રોજથી ‘ગુજરાત પોષણ અભિયાન વર્ષ ૨૦૨૦’ નો રાજયવ્યાપી પ્રારંભ દાહોદ જિલ્લાથી કરાવશે. આ કાર્યક્રમ દાહોદ નગરના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાંઉન્ડ ખાતે યોજવામાં આવશે.
કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી પોષણસંકલ્પ ૨૦૨૦ની ઘોષણા કરશે. ઉપરાંત પોષણ અભિયાન કેલેન્ડર, ટેક હોમ રાશન રેસીપી બુક અને સહિયર ગોષ્ઠી મેગેઝિનનું પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવશે. કુપોષિત બાળકોને સુષોષિત કરવા માટે બાળકોને પાલક વાલી તરીકે દત્તક લેવા માટેની સીએસઆર પોલીસીનું પણ તેઓ લોન્ચિંગ કરશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ઉત્તમ કામગીરી કરનારા આંગણવાડી કાર્યકર, તેડાગર, આશા અને એ.એન.એમ કાર્યકરને પ્રોત્સાહક પુરસ્કાર આપશે.
આ કાર્યક્રમનું આયોજન કરવા માટે જિલ્લા પંચાયત, દાહોદ ખાતે રાજયકક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં કાર્યક્રમની પૂર્વતૈયારી, વ્યવસ્થા અને સંકલન બાબતે આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં કુપોષણ બાબતે જાગ્રતિ આવે તે માટે રન ફોર પોષણ અને ગામે ગામ પોષણ રેલીનું આયોજન કરવા માટે પણ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું હતું.
બેઠકમાં ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત સુપોષણ સપ્તાહ, પોષણ અભિયાન ૨૦૨૦ના વાર્ષિક લક્ષ્યાંક અને પોષણ અભિયાન ૨૦૨૨ સુધીના લાંબાગાળાના લક્ષ્યો વિશે પણ આઇસીડીએસ પ્રોગ્રામર ઓફીસરશ્રીએ માહિતી આપી હતી.
ગુજરાત પોષણ અભિયાન – ૨૦૨૦ અંતર્ગત સુપોષિત ગુજરાત માટે સંગઠિત, સંકલિત અને સઘન પ્રયાસો કરવામાં આવશે. આ અભિયાન હેઠળ બાળકોનું ૧૦૦ ટકા રસીકરણ, આંગણવાડીના તમામ કુપોષિત બાળકોને લીલા ઝોનમાં લાવવા, કુપોષિત બાળકોમુક્ત આંગણવાડી, કિશોરીઓમાં એનીમિયાનાં પ્રમાણમાં ૬ ટકાનો ઘટાડો, અતિ ગંભીર એનીમિક સગર્ભાઓનું પ્રમાણ શૂન્ય કરવું. જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોના પ્રમાણમાં વાર્ષિક ૩ ટકાનો ઘટાડો, શિશુ મૃત્યુદર ૧૦૦૦ જવિત જન્મે ૩૦ થી ઘટાડીને ૯ સુધી અને માતામૃત્યુદર ૧ લાખ જવિત જન્મે ૮૭ થી ઘટાડી ૪૯ સુધી લઇ જવાના લક્ષ્યાંકો પર કામગીરી કરવામાં આવશે.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી યોગેશભાઇ પારગી સહિત પદાધિકારીશ્રીઓ, ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.