વડતાલમાં જમીન પચાવી પાડનારા બે સંગા ભાઇઓ સામે લેન્ડગ્રેબીગનો ગુનો દાખલ
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
વડતાલમાં એક ખેડૂતની જમીનને અડીને આવેલ અન્ય જમીન માલિકના ભત્રીજાઓએ પોતાની જમીનમાં બાંધકામ કરતાં કરતાં ખેડૂતની જમીનમાં પણ
ગેરકાયદે દબાણ કરી જમીન પચાવી પાડવા ગેરકાયદે કબજો જમાવતા ફરિયાદ નોંધાઈ છે. વડતાલમાં મોટા ભાથીજી પાસે રહેતા પ્રતાપભાઈ ધુળાભાઈ પરમારની વડતાલ બ્લોક નં. ૩૬૬ વાળી આશરે ૫૦ ગુંઠા જમીનમાં કુટુંબના ૧૯ સભ્યો સંયુક્ત માલિકી ધરાવે છે. જેમાંથી ત્રણ સભ્યોના અવસાન થઈ ચૂક્યા છે. બ્લોક નં. ૩૬૬વાળી જમીનને અડીને બ્લોક નં. ૩૬૭ વાળી ૧ ગુંઠા જમીન રતિભાઈ ખોડાભાઈ પરમારની માલિકીની છે. જેમાં રતિભાઈના ભત્રીજા મનહર રમણભાઈ પરમાર અને ગિરીશ રમણભાઈ પરમાર દ્વારા ૨૦૧૭માં અડી અડીને બે પાકા મકાન બનાવવાનું ચાલુ કર્યું હતું. જે ગેરકાયદેસર રીતે પ્રતાપભાઈની સંયુક્ત માલિકીની જમીનમાં ગેરકાયદે દબાણ થતું હોઈ પ્રતાપભાઈ દ્વારા ઈસમોને ગેરકાયદે બાંધકામ કરતા રોક્યા હતા. પણ ઈસમોએ મકાનની આકારણી તેમના પિતા રમણભાઈ ડાહ્યાભાઈ પરમારના નામ ઉપર પડાવેલ હતી. બાદ અવારનવાર પ્રતાપભાઈએ સમજાવવા છતાં શખ્સોએ દબાણ દૂર ન કરતાં પ્રતાપભાઈએ નડિયાદ કલેકટર કચેરીમાં લેન્ડગ્રેબીંગ એક્ટ મુજબ અરજી કરી હતી. આ મામલે કલેકટર કચેરીથી હુકમ થતાં આજરોજ પ્રતાપભાઈ દ્વારા આ મામલે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.