સરકારી યોજનાઓનો વધુમાં વધુ નાગરિકો લાભ લે તે રીતનું આયોજન કરવા કલેક્ટરની સૂચના
દાહોદ તા.૧૮
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ સરકારી યોજનાઓનો વધુમાં વધુ નાગરિકો લાભ લે તે રીતનું આયોજન કરવા સરકારી અધિકારીઓને સૂચના આપી છે. લોકોમાં સરકારી યોજનાઓ પ્રત્યે જાગ્રૃતિ આવે અને લોકકલ્યાણના કામો અસરકારક રીતે સંકલન સાધીને કરવા જિલ્લા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિની બેઠકમાં વિસ્તૃત માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી છે.
સર્વે ભવન, જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં કલેક્ટરશ્રીએ રાજય સરકારની વિવિધ કચેરીઓ દ્વારા ગત માસમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લાની કચેરીઓના અધિકારીઓએ તેમના દ્વારા કરવામાં આવેલી કામગીરી જણાવી હતી.
બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીએ શાળાઓના ઓરડાઓની કામગીરી બાબતે માહિતી આપી હતી અને અત્યારે ૧૧૯ ઓરડા બનાવવાની કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં ડિઝિટલ કલાસરૂમની કામગીરી વિશે પણ માહિતી આપી હતી. અત્યારે ઝાલોદ, દાહોદ અને ફતેપુરા ખાતે તાલુકાદીઠ ૧૦૦૦ નિરક્ષર બહેનોને સાક્ષર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે તે વિશે પણ માહિતી આપી હતી.
બેઠકમાં આરોગ્ય, કૃષિ, રોજગાર, સિંચાઇ, પશુપાલન, બાગાયત વગેરે ક્ષેત્રે થઇ રહેલી કામગીરીની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. અધિકારીશ્રીઓએ વિભાગના લક્ષ્યાંકો પૂરા કરવા જહેમત અને ત્વરા સાથે કામગીરી કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે.દવે, પ્રાયોજના વહીવટદાર શ્રી નિનામા, આયોજન અધિકારી શ્રી ગેલાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

