દાહોદ તાલુકાના છાપરી ગામે કોલેજ પાસે હાઇવે નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઈનમાં અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળી
દાહોદ તા. 19
દાહોદ તાલુકાના છાપરી ગામે કોલેજ પાસે હાઇવે નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઈનમાં અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળતા ગેસ પાઇપલાઈનની ઉપરથી પસાર થતી એમજીવીસીએલ ની 11 કેવીની વીજલાઇનના વાયરો આગની લપટોમાં બળીને ભસ્મીભુત થઈ ગયા હતા.જોકે સવારના સમયમાં લાગેલી આગમાં સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નહોતી ત્યારે દાહોદ અગ્નિશામક દળે તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના છાપરી મુકામે એન્જીનીયરીંગ કોલેજ પાસે હાઇવે દાહોદ-બાંસવાડા હાઇવેથી અડીને આવેલ ગુજરાત ગેસની પાઇપ લાઈન માં આજરોજ સવારના 10:45 વાગ્યાના અરસામાં એકાએક ધડાકાભેર આગ ફાટી નીકળી હતી.અચાનક ધડાકાભેર ફાટી નીકળેલી આગની અગનજ્વાળાઓમાં ઉપરથી પસાર થતી એમજીવીસીએલની 11 કે.વી ની વીજલાઇનના વાયરો બળીને ભસ્મીભૂત થઇ ગયા હતા.જોકે આ આગની ઘટના બાદ ભેગા થયેલા લોકાના ટોળાંમાના એક વ્યક્તિએ તાત્કાલિક ગુજરાત ગેસ, દાહોદ અગ્નિશામક દળ,તેમજ એમજીવીએલનો સંપર્ક કરી આ આગના બનાવની જાણ કરતા એમજીવીસીએલના કર્મચારીઓએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. તેમજ ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓએ ગેસ પુરવઠો બંધ કરી દેતા આગની લપટો ઓછી થઈ ગઈ હતી ત્યારબાદ ઘટનાસ્થળે આવી પહોંચેલા ફાયર ફાયટરોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના દરમિયાન કોઈ જાનહાની ન બને તે માટે દાહોદ પોલીસે બંદોબસ્ત ગોઠવી લોકોને દુર સલામત સ્થળે ખસેડતા કોઈ જાનહાની થવા પામી નહોતી
*આગની લપટોમાં ઉપરથી પસાર થતી એમજીવીસીએલ ની 11 કેવી ની વીજલાઇન બળીને સ્વાહા*
કોલેજ પાસેથી પસાર થતી ગુજરાત ગેસની પાઇપલાઇનમાં લાગેલી આગની લપટોમાં ઉપરથી પસાર થતી એમજીવીસીએલ ની 11 કે.વી ની વીજલાઇન બળીને ભસ્મીભૂત થઇ ગઈ હતી જોકે એમજીવીસીએલ ના કર્મચારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી વીજ પુરવઠો બંધ કરી દેતા મોટી જાનહાની થતા ટળી ગઈ હતી
*ગુજરાત ગેસની પાઇપ લાઈનમાં ટૂંકા ગાળામાં આગની ત્રણ ઘટનાઓ બનતા લોકોમાં ચર્ચાનો વિષય*
આજરોજ સવારના ગાળામાં લાગેલી આગના બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નહોતી જોકે થોડાક સમય પહેલા પણ ઓવરબ્રિજ પાસે, તેમજ ગોદીરોડ ઉકરડી રોડ ખાતે પણ ગુજરાત ગેસની પાઇપ લાઈનમાં આગ લાગી ગઈ હતી જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી નહોતી પરંતુ ટૂંકા ગાળામાં ગુજરાત ગેસની પાઇપ લાઈનમાં આગ લાગવાની ત્રણ ઘટનાઓથી લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓએ જન્મ લીધો છે. ત્યારે ગેસ જેવા અત્યંત જ્વલનશીલ પદાર્થ માં સંલગ્ન વિભાગ લોકોની સલામતી તેમજ અને બારીકાઇથી નિરીક્ષણ કરી કામગીરી કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.
*ધડાકાભેર પ્રેશરથી ફાટી નીકળેલી આગથી ઘટનાસ્થળે મસમોટો ખાડો પડ્યો*
આજરોજ કોલેજ પાસે ગુજરાત ગેસની જમીનમાં દાટેલી પાઇપલાઇનમાં એકાએક પ્રેસર સાથે ફાટી નીકળેલી આગની જગ્યાએ આશરે બે થી અઢી ફિટ ઊંડો તેમજ 12 થી 14 ફિટ લાંબો ખાડો થઈ જવા પામ્યો હતો જોકે આગ ઓલવાયા બાદ ગુજરાત ગેસના કર્મચારીઓએ પાઇપલાઈનનું રીપેરીંગ હાથ ધરી ખાડો પુરવામાં જોતરાઈ ગયા હતા.
*સફાઈ કર્મચારીઓએ કચરો બાળતા આગ લાગી હોવાનું જણાવતા સ્થનિકો જોકે આગનું સાચું કારણ અકબંધ*
છાપરી મુકામે આજરોજ સવારે સફાઈ કર્મચારીઓ પાઈપલાઈન વાળી જગ્યાએ સાફસફાઈ કરી કચરો બાળ્યો હતો અને પાઇપલાઇનમાંથી ગેસ ગળતર થતો હોવાના કારણે આગ લાગી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતું.