મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે આપણી મુખ્ય પ્રાથમિકતા આરોગ્ય : કલેક્ટર વિજય ખરાડી
દાહોદ, તા. ૧૮-૦૧-૨૦૨૦ : કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં સંજેલી તાલુકાના પીછોડા ગામે રાત્રી સભા યોજવામાં આવી હતી. કડકડતી ઠંડીમાં પણ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. કલેક્ટરશ્રીએ ગ્રામજનોના પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું.
રાત્રીસભામાં ગ્રામજનોને સંબોધતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે આપણી મુખ્ય પ્રાથમિકતા આરોગ્ય છે. ખાસ કરીને માતાઓ અને બાળકોના આરોગ્ય બાબતે આપણે વિશેષ કાળજી રાખવાની જરૂર છે. આ માટે સગર્ભા માતાઓની નોંધણી વહેલામાં વહેલી તકે કરવી જરૂરી છે. દિકરીઓમાં લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું હોય છે. પોષણના અભાવે માતામરણ અને બાળમરણની શક્યતાઓ વધી જાય છે. કુપોષણને દૂર કરવા ગ્રામજનોએ પણ જાગ્રૃત થવાની જરૂર છે. ખેડૂતો પોતાના ખેતરના નાનકડા ભાગમાં કુંટુંબ માટે લીલા પાંદડાવાળા શાકભાજી કરે તો પોષણની ઉણપ દૂર કરી શકાય છે. ખેડૂતોએ મકાઇ ઉપરાંત બાગાયતી પાકો, ઘઉં, બાજરી, સોયાબીન અને શાકભાજી પાકો કરવા જોઇએ. પશુપાલનને વૈકલ્પિક વ્યવસાય તરીકે અપનાવી આવક વધારવી જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું.
શિક્ષકોએ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને પોતાના ગામને બી ગ્રેડમાંથી એ કે એ પ્લસ ગ્રેડમાં લાવવા વિશેષ પ્રયાસો કરવા પર તેમણે ભાર મુકયો હતો. શાળામાં વિદ્યાર્થીની નિયમિતતા પણ જરૂરી હોવાનું તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું.
પીછોડા ગામે યોજાયેલી રાત્રીસભામાં ગ્રામજનોને વિવિધ વિભાગોના અધિકારીઓએ સરકારી યોજનાઓની માહિતી આપી હતી. ત્યાર બાદ ગ્રામજનોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમાં ખેતી માટે વિજળી, આરોગ્ય સેન્ટરના રિનોવેશન, રસ્તા અને જમીનના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ સંબધિત અધિકારીઓને આ પ્રશ્નોનું તાત્કાલીક નિવારણ લાવી રિપોર્ટ કરવા જણાવ્યું હતું.
રાત્રીસભામાં મનરેગા યોજનાના લાભાર્થીઓને જોબકાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડનું વિતરણ કલેક્ટરશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
રાત્રીસભામાં તાલુકાના પ્રાન્તઅધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લાના અધિકારીશ્રીઓ, ગામના સંરપંચશ્રી અને આંગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.

