જિલ્લા ઉધોગ કેન્દ્ર, દાહોદ દ્વારા એમએસએમઇ કમિશનર જે. રંજીથકુમારની અધ્યક્ષતામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગોને પ્રોત્સાહન અને બેન્કર્સ પરિસંવાદ યોજાયો
દાહોદ, તા. ૨૧ : જિલ્લા ઉધોગ કેન્દ્ર, દાહોદ દ્વારા એમએસએમઇ કમિશનર શ્રી જે. રંજીથકુમાર ગાંધીનગરની અધ્યક્ષતામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગોને પ્રોત્સાહન અને બેન્કર્સ પરિસંવાદ યોજાયો હતો. જિલ્લાના ઉધોગ સાહસિકોએ આ પરિસંવાદમાં ભાગ લઇ એમએસએમઇની વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં શ્રી વાજપેય બેન્કેબલ યોજના અંતર્ગત ૫૦ ઉધોગ સાહસિકોને ૧.૫૩ કરોડથી વધુ રકમની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદનું આયોજન બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીલ ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સંબોધન કરતાં એમએસએમઇ કમિશનર શ્રી જે. રંજીથકુમારે જણાવ્યું કે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગોના વિકાસ માટે સરકાર દ્વારા એમએસએમઇનાં એક અલગ વિભાગની રચના કરવામાં આવી છે. કોઇ પણ નવો ઉધોગ ધંધો સરળતાથી શરૂ કરી શકાય તે તેનો ઉદ્દેશ છે. આ માટે એમએસએમઇની સાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે. વિવિધ સરકારી મંજુરીઓ ત્યાર બાદના ત્રણ વર્ષના સમયગાળામાં મેળવી શકાય છે પરંતુ ઉધોગ તાત્કાલીક શરૂ કરી શકાય છે. આમ, સરકારી મંજુરીઓની આંટીઘુટીમાં ઉધોગકારના સમયનો વ્યય થતો નથી.
તેમણે એમએસએમઇની વિવિધ યોજનાઓ અને કામગીરીની પણ માહિતી આપી હતી. એમએસએમઇ ઉધોગકારોની સૌથી મોટી સમસ્યા મૂડી અને રોકાણનું સમાધાન તેની વિવિધ લોન સહાય યોજનાઓ અને સબસીડી દ્વારા કેવી રીતે કરે છે તેની પણ માહિતી આપી હતી. તેમણે ધંધાનો વિસ્તાર કરવા માટે આઇપીઓ કેટલો મદદગાર થાય છે અને તે સંદર્ભે એમએસએમઇની ભૂમિકા પણ સમજાવી હતી.
જિલ્લાના કલેક્ટર શ્રી વિજય ખરાડીએ પરિસંવાદમાં પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં ખેતીવાડી અને પશુપાલન લોકોનો મુખ્ય વ્યવસાય છે. જિલ્લાના ઉધોગ સાહસિકોને યોગ્ય વાતાવરણ મળે એ ખૂબ જરૂરી છે. સરકાર દ્વારા પણ વિવિધ ઉધોગ ધંધાના વિકાસ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. યુવા વર્ગે આ યોજનાઓ વિશે માહિતગાર થઇ સ્વરોજગાર તરફ વળવું જોઇએ.
પરિસંવાદમાં નેશનલ સ્ટોક એકસચેન્જના પ્રતિનિધી શ્રી ચેતન વ્યાસે આઇપીઓ વિશે વિગતે માહિતી શ્રોતાઓને આપી હતી. જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી જીગર દવેએ એક પ્રેઝન્ટેશન દ્વારા એમએસએમઇની વિવિધ કામગીરી સમજાવી હતી.
કાર્યક્રમમાં કાર્યક્રમમાં શ્રી વાજપેય બેન્કેબલ યોજના અંતર્ગત ૫૦ ઉધોગ સાહસિકોને ૧.૫૩ કરોડથી વધુ રકમની લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ લોન કરીયાણા, રેડીમેડ ગાર્મેન્ટ, કપ પ્લેટ મેકિગ યુનિટ, સેન્ટીગ કામ વગેરે જેવા વિવિધ ધંધા સ્થાપવા માટે જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાની જે બેન્કોએ ઉધોગોને લોન સહાય બાબતે લક્ષ્યાંકથી પણ વધુ સારી કામગીરી કરી છે તેમના મેનેજરશ્રીઓને શાલ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ બેન્કોના જનરલ મેનેજરશ્રીઓ, બ્લાઇંડ વેલફેર સંસ્થાના શ્રી યુસીફી કાપડીયા, અને મોટી સંખ્યામાં ઉધોગ સાહસિકો ઉપસ્થિત રહ્યાં હતા.