ખેડા જિલ્લામાં ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત ૨૬૫ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેડાના સહયોગથી હાલમાં ગોબરધન યોજના અંતર્ગત વાંઠવાડી ગામ ખાતે કુલ ૫૦ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. જેમાં, જયદીપસિંહે બે મહિના પહેલા પોતાના ખેતરમાં ભારત બાયોગેસ એજન્સી દ્વારા એક ગોબરધન બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવ્યો છે. ગોબરધન પ્લાન્ટના અનેકવિધ ફાયદા જણાવતા જયદીપસિંહ જણાવે છે કે પ્રતિદિન ૫૦ કિલો છાણ અને ૫૦ કિલો પાણીના મિશ્રણથી ચલાવવામાં આવતા આ બાયોગેસ પ્લાન્ટથી દર મહીને ઘર વપરાશ માટે બે બોટલ એલ.પી.જી ગેસ ઉત્પન્ન થતો હોવાથી માસિક ગેસ બોટલની ચિંતામાંથી તેઓ મુક્ત થયા છે. આ સિવાય બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરીને તેઓ પોતાની પ્રાકૃતિક ખેતીમાં ખાતર તરીકે ઉપયોગ કરે છે. જયદીપસિંહ પાસે અત્યારે ૧ દેશી ગાય અને ર ભેંસ છે. આ ગાય-ભેંસથી તેમને બાયોગેસ પ્લાન્ટ માટેનું છાણ સરળતાથી મળી રહે છે તેમજ ગાયના છાણ અને ગૌ મુત્રનો પ્રાકૃતિક ખેતીમાં વિશેષ ઉપયોગ થાય છે. જયદીપસિંહને દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે દર મહિને રૂ. ૯૦૦ ની સહાય પણ મળે છે. બાયોગેસ પ્લાન્ટમાંથી નિકળતી ઓર્ગેનિક સ્લરીની ઉપયોગીતા વિશે વાત કરતા દેથલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક  પી.કે શર્મા જણાવે છે કે પ્લાન્ટમાં થયેલી પ્રોસેસ્ડ છાણની રબડી (સ્લરી) પ્રાકૃતિક ખેતીમાં ખાતર તરીકે કામ કરે છે. આ સ્લરીને અળસિયાના બેડમાં નાખી વર્મીકમ્પોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવે છે. જેનો ઉપયોગ કરીને ખેતીમાં આવતા વિવિધ રોગો અને કીટ જિવાતોને દૂર કરી શકાય છે. જયદીપસિંહ ખેતીમાં સતત નવતર પ્રયોગો કરવાનો ઉત્સાહ ઘરાવે છે. આ માટે તેઓ ખેતી સંલગ્ન વિવિધ તાલીમ શિબિરોમાં ભાગ લેતા રહે છે. તેમણે ૨૦૧૯માં ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં વડતાલ ખાતે યોજાયેલ ૭ દિવસની સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિરમાં સૌ પ્રથમ વખત ભાગ લઈ પ્રાકૃતિક ખેતીની ઉંડી સમજ મેળવી હતી. આ પછી તો તેમણે પ્રાકૃતિક ખેતીમાં એવો રસ પડ્યો છે કે તેઓએ આણંદ કૃષિ યુનિવર્ષિટી ખાતે દેશી બીજ તૈયાર કરવા, દિલ્લી ખાતે ઉત્તમ ઘઉં તૈયાર કરવા અને પુણે ખાતે ડ્રેગનફ્રુટ તૈયાર કરવા માટેની વિશેષ તાલીમ લીધી છે. તેઓને ઉપરોક્ત તમામ તાલીમ માટે પ્રવાસ, રોકાણ અને ભોજન સુધીની વ્યવ્સ્થા જિલ્લા આત્મા પ્રોજક્ટ અને ફાર્મર તાલીમ સેન્ટર (FTC), ઠાસરા  દ્વારા કરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત અમૂલ ડેરી, આણંદ અને ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ, અમદાવાદ એજન્સીના ર ક્લસ્ટર બેઝ પ્રોજેક્ટ મંજુર થયેલ છે. દરેક ક્લસ્ટરમાં ૨૦૦, એમ કુલ ૪૦૦  વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવશે. અત્યારે ખેડા જિલ્લામાં કુલ ૨૬૫ બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. વળી, હાલમાં જિલ્લામાં સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ અંતર્ગત ૮૯૭૬ હેક્ટર જમીનમાં કુલ ૧૧,૭૩૭ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ત્યારે આ તમામ ખેડુતો જો ગોબરધન બાયોગેસ પ્લાન્ટ યોજનાનો લાભ લઈ બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવે તો ખેડૂતોને ખેતી તથા ખેત ઉત્પાદનમાં ફાયદો થઈ શકે તથા જિલ્લાના પર્યાવરણમાં પણ સુધારો થઈ શકે છે. ગોબરધન યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાના બહુ આયામી ફાયદા છે. બાયોગેસ પ્લાન્ટમાંથી દર મહિને ૨ થી ૩ બોટલ જેટલો LPG ગેસ ઉતપન્ન થાય છે જેનો ઉપયોગ રાંધણમાં કરી શકાય છે અને દર મહીને થતા ગેસની બોટલના ખર્ચમાં બચત કરી શકાય છે. વળી, આ પ્લાન્ટ થકી ઉત્પન્ન થતી સ્લરીનો ઉપયોગ ખેતીમાં પણ થઈ શકે છે તેમજ તેનું વેચાણ કરીને અંદાજિત રૂ. ૩  થી ૪ હજાર માસિક ઉપજ કરી શકાય છે. બાયોગેસ પ્લાન્ટની કિંમત રૂ. ૪૨ હજાર છે જેમાં લાભાર્થી ફાળો ફક્ત રૂ. ૫ હજાર નો છે. જયારે રૂ.૧૨ હજાર મનરેગા યોજનામાંથી સ્લરી ટેન્ક માટે મળે છે અને બાકી રૂ. ૨૫ હજાર સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ (SBM-G)માંથી મળે છે. આમ, બાયોગેસ પ્લાન્ટના લાભાર્થી ફક્ત રૂ. પ હજાર ના રોકાણથી વાર્ષિક અંદાજિત રૂ ૫૦ હજાર જેટલો ફાયદો આજીવન મેળવી શકે છે. ઉપરાંત, સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીની દ્રષ્ટીએ પણ ગોબરધન પ્લાન્ટ ખુબ જ ઉપયોગી છે કેમકે આ બાયોગેસ પ્લાન્ટમાંથી નિકળતી તમામ ઉપજો ઈકોફ્રેન્ડલી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: