સાસુને ધારીયાનો ઝટકો મારી મોત નીપજાવનાર જમાઇને આજીવન કેદની સજા
નરેશ ગનવાણી બ્યુરોચિફ નડિયાદ
ખેડાના દેદરડા ગામે સાસુને ધારીયાનો ઝટકો મારી મોત નીપજાવનાર જમાઇને નડિયાદ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ૭ વર્ષ પહેલાં જમવાનુ બનાવવાની સાસુએ નાપાડતા જમાઇ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી સાસુને માથામાં ધારીયાના ઝટકા મારી મોત નિપજાવ્યુ હતુ. મંગળવારના રોજ આ કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે જમાઈને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે. ખેડાના દેદરડા ગામે બુધાભાઈ ભદાભાઈ ચૂનારા સાસરીમાં રહેતો હતો.તા.૨૭ મે ૨૦૧૫ ના રોજ બપોરે જમવા બાબતે સાસુ લીલાબેન કાંતિભાઈ ચુનારા ઉં.૪૫ સાથે ઝઘડો થયો હતો. બુધાભાઈને દારૂ પીવાની ટેવ હતી તેમજ કોઈ કામ ધંધો કરતો ન હતો. બપોરે જમવા બાબતે થયેલ ઝઘડાની રીષ રાખી રાતના સુતા સમયે ધારીયુ સાથે લઈને સૂઈ ગયો હતો.રાતના ૨ કલાકે ફરી બુધાએ તેના સાસુ લીલાબેન ખાટલામાં સુઈ રહ્યા હતા તે સમયે જગાડી જમવાનું બનાવવાનુ જણાવ્યું હતું. તેથી સાસુ લીલાબેને જમવાનું બનાવવાની ના પાડતા બુધાભાઇ એકદમ ઉશ્કેરાઈ જઈ સાસુ લીલાબેનને ગાળો બોલી માથાના ભાગે ધારિયાના ઝટકા મારી મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તે સમયે ખેડા પોલીસે ગુનો નોંધ્યો હતો.મંગળવારના રોજ આ કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પી.આર.તિવારીએ કોર્ટ સમક્ષ કુલ ૧૪ સાહેદોનાં પુરાવા અને ૧૯ દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટ સમક્ષ દલીલ કરી હતી.જે દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી બુધાભાઈ ચૂનારાને ૩૦૨ના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.


