દાહોદ જિલ્લામાં તા.૨૭-૦૧-૨૦૨૦ થી સતત છ દિવસ સુધી જન જાગૃતિ ઝૂંબેશ, ગામે ગામ રથ ફરશે
રાજ્ય સરકાર દ્વારા જનકલ્યાણની વિવિધ યોજનાની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને તેમાં લોકોની સક્રીયતા વધારવાના હેતુંથી મહત્વાકાંક્ષી દાહોદ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા આગામી તા. ૨૭ જાન્યુઆરીથી લગાતાર છ દિવસ સુધી જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર દ્વારા દાહોદને જાહેર કરવામાં આવેલા એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટ માટેના મહત્વના સૂચકાંકો આધારિત માહિતી સાથે ૨૭ રથ ગામેગામ ફરશે અને લોકોને જાગૃત કરશે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, સરકારી યોજનાના અમલીકરણમાં લોકોની ભાગીદારિતા પણ અતિઆવશ્યક છે. જેમ કે, આરોગ્યની બાબતની જ વાત કરીએ તો કોઇ દર્દી ત્યારે જ દવાખાને આવે જ્યારે તે માંદો પડે છે. પણ, આરોગ્યલક્ષી અનેક પ્રકારની સુટેવો હોય છે, જેનું પાલન કરવાથી માંદગીથી બચી શકાય એમ છે. ઉદાહરણ તરીકે સમજીએ તો શૌચાલયનો ઉપયોગ કરવો. જમતા પૂર્વે હાથ ધોવા. સ્વચ્છ પાણી પીવું. આ બધી બાબતો એવી છે કે, જેમાં લોકોએ સ્વયં જાગૃત થવું જરૂરી છે.
શ્રી ખરાડીએ એમ પણ કહ્યું કે, માનવ વિકાસનું કાર્ય એકલા માત્ર સરકારી યોજનાના સુદ્રઢ અમલથી જ શક્ય નથી. એમાં લોકોની ભાગીદારી પણ ખૂબ જ મહત્વની છે. જેમ કે ઘરના ફળિયામાં સફાઇ રાખવી. ઘરની આસપાસ સફાઇ રાખવી. જ્યાં ત્યાં કચરો ન ફેંકવો. પોતાનું બાળક શાળામાં નિયમિત જાય છે કે નહીં ? તેની તકેદારી રાખવી. મહિલાને સગર્ભાવસ્થા દરમિયાન ચાર વખત રસીકરણ કરાવવું. બાળકોના પોષણનો ખ્યાલ રાખવો. આ બાબતો પાયાની છે, સાથે મહત્વની પણ છે. જનજાગૃતિ ઝૂંબેશ પાછળનો હેતું પણ આ જ છે અને મૂળભૂત વિષયો પર દાહોદના ગ્રામીણ લોકોને જાગૃત કરી, તેમની માનવ વિકાસની પ્રક્રીયામાં ભાગીદારી વધારવામાં આવશે.
મહત્વાકાંક્ષી જિલ્લામાં નિતિ આયોગ દ્વારા માપદંડો નિયત કરવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ, સિંચાઇ, રોજગારી અને સ્વચ્છતા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિષયો ઉપર જનજાગૃતિ રથ લોકોમાં અવેરનેસ લાવશે.
જનજાગૃતિ ઝૂંબેશને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયોજન અધિકારી શ્રી કે. એસ. ગેલાત, સંશોધન અધિકારી શ્રી સંદીપ પટેલ, શ્રી જે. બી. વીરપુરા, નાયબ પશુપાલન નિયામક ડો. કમલેશ ગોસાઇ, જિલ્લા આંકડા અધિકારી શ્રી રાહુલ ગુપ્તા અને સીઆરસી શ્રી જનકભાઇએ આખરી ઓપ આપ્યો છે.
જન જાગૃતિ ઝૂંબેશ માટે ૨૭ રથો બનાવવામાં આવ્યા છે. એક તાલુકામાં ત્રણ રથો એક રૂટ ઉપર ફરશે. તા. ૨૭ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધીના છ દિવસમાં દાહોદ જિલ્લાના ૯ તાલુકાના ૬૯૧ ગામોને આવરી લેવામાં આવશે. એક રૂટ ઉપર એક દિવસમાં ૧૦ ગામોને આવરી લેવામાં આવશે અને તેમાં રથના પ્રારંભે અને દિવસના અંતે વિશેષ કાર્યક્રમો યોજાશે.
નિયત થયેલા કાર્યક્રમો મુજબ સવારે પૂજન, બાળકોમાં રમતગમત સ્પર્ધા, આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ, સિંચાઇ, રોજગારી અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન અને સંકલ્પગ્રહણ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સાથે, ઉક્ત બાબતોમાં સારી કામગીરી કરનારી વ્યક્તિનું સન્માન કરવામાં આવશે. રાત્રીરોકાણના સ્થળે પણ આ જ પ્રકારના કાર્યક્રમો યોજાશે. તેની સાથે, મહેસુલી તંત્ર દ્વારા રાત્રીસભા યોજવામાં આવશે. કેટલાક સ્થળે આરોગ્ય કેમ્પ યોજાશે.
રાજ્ય સરકારના સંકલનના અધિકારીઓને પ્રતિદિન ફરજ સોંપવામાં આવી છે. નાયબ કલેક્ટરોને આ રથના નોડેલ અધિકારી બનાવવામાં આવ્યા છે.
કલેક્ટરશ્રી ખરાડીએ દાહોદ જિલ્લાના નાગરિકોને જનજાગૃતિ ઝૂંબેશમાં ઉત્સાહભેર જોડાવા અનુરોધ કર્યો છે.