જી-૨૦ અંતર્ગત જિલ્લા કક્ષાનો અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી  દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજયો

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પલાણા આઈ.ટી.આઈ કોલેજ ખાતે કેન્દ્રીય સંચારમંત્રી  દેવુંસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર, નડિયાદ કચેરી દ્વારા અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ યોજાયો હતો. અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને ભારત દ્વારા યજમાનપદે શરુ થયેલી જી-૨૦ સમિટ વિશે જાણકારી આપવામાં આવી અને જી-૨૦ સમિટથી ભારત કઈ રીતે આવનારા સમયમાં અન્ય દેશોની સરખામણી કરી શકશે તે બાબતની ચર્ચા કરવામાં આવી. યુવા સંસદ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય મંત્રી  દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે. આદિકાળથી ભારત ‘વસુધૈવ કુટુંબકમ-સમગ્ર વિશ્વ જ એક પરિવાર’ની ભાવના મૂર્તિમંત કરી રહ્યું છે. જી -૨૦ અધ્યક્ષતા ભારતની એકતા અને વૈશ્વિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. સાથોસાથ મંત્રીએ વિધાર્થીઓ સમક્ષ પાર્લિયામેન્ટમાં કરવામાં આવતી કામગીરી વિસ્તૃત માહિતી આપી અને જી-૨૦ અંતર્ગત ભારતને તા. ૧ ડિસેમ્બર,૨૦૨૨ થી ૩૦ નવેમ્બર-૨૦૨૩ સુધી જી-૨૦ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. તેની વિધાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. વધુમાં મંત્રીએ વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે તા.૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ ભારતે ઈન્ડોનેશિયા પાસેથી જી -૨૦નું પ્રમુખપદ સંભાળ્યું અને ૨૦૨૩માં દેશમાં પ્રથમ વખત જી-૨૦ નેતાઓની સમિટની યજમાની કરી રહ્યું છે. દર વર્ષે સભ્ય દેશો ક્રમશ: અધ્યક્ષપદ સંભાળે છે. ભારત માટે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના અવસરે જી-૨૦ અધ્યક્ષપદ “અમૃત કાળ”ની શરૂઆત પણ કરે છે, જે ૨૦૨૨માં દેશની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠથી શરૂ થતા ૨૫ વર્ષનો સમયગાળો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત મુજબ ભારતની જી -૨૦ અધ્યક્ષતા એકતાની વૈશ્વિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. તેથી જી -૨૦ થીમ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ છે  જી -૨૦નો રસપ્રદ પરિચય વિદ્યાર્થીઓને આપતા મંત્રીએ જણાવ્યું કે જી -૨૦ અથવા ગૃપ ઓફ ટ્વેન્ટી એ વિશ્વના ૧૯ દેશો અને યુરોપિયન યુનિયનનો સમાવેશ કરતું આંતર-સરકારી મંચ છે. જે દુનિયાની ૬૦ ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આ ૨૦ દેશો દુનિયાના ૭૫ ટકા વૈશ્વિક વ્યાપાર અને ૮૫ ટકા જી.ડી.પી. પર પ્રભુત્વ ધરાવે છે તેમજ આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા, ક્લાઈમેટ ચેન્જ(આબોહવા પરિવર્તન) અને તેનું નિરાકરણ, ટકાઉ વિકાસ જેવા મુદ્દે સભ્ય દેશો સાથે મળીને એક થઈને કામ કરે છે. આ ગ્રુપના એજન્ડા ચલાવવાનું કાર્ય પૂર્વ, વર્તમાન અને ભાવિ અધ્યક્ષો એમ ત્રણ દેશો સંભાળે છે, આ વર્ષે પૂર્વ અધ્યક્ષ (ઈન્ડોનેશિયા), વર્તમાન અધ્યક્ષ (ભારત) અને ભાવિ અધ્યક્ષ (બ્રાઝિલ) એજન્ડા ચલાવશે. ગૃપ ઓફ ટ્વેન્ટી (G-૨૦) એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ છે.  સંસદ કાર્યક્રમની ચર્ચામાં જી -૨૦ની જરૂરિયાત કેમ ઉભી થઈ?  એ સવાલનો વિસ્તૃત જવાબ આપતા મંત્રીએ જણાવ્યું કે દુનિયાના કોઈ એક દેશમાં સર્જાતી આર્થિક, સામાજિક કે ભૌગોલિક સમસ્યા અન્ય દેશોને પણ અસર કરી શકે છે. દા.ત. વર્ષ ૨૦૦૮માં અમેરિકામાં આવેલી આર્થિક મંદી વિશ્વના મોટાભાગના દેશોને મંદીમાં તાણી ગઈ હતી, ભારતે પણ તેનો અનુભવ કર્યો હતો. એટલે જ વિશ્વના મહત્વના દેશો પરસ્પર સહયોગ સાધીને એક થઈને સમસ્યાઓ સામે લડી શકે એવા ઉદ્દેશ્યથી આ જૂથ બનાવવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાના અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમમાં ૫ થી ૭ ટીમ બનાવીને  જી -૨૦ સંમેલન અંતર્ગત ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને નિબંધ સ્પર્ધા, ગરબા જેવી પ્રતિયોગિતામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને નહેરુ યુવા કેન્દ્રની કચેરી દ્વારા કેન્દ્રીય મંત્રી  દેવુસિંહ ચૌહાણના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી  મહેશ રાઠવા, આઈ.ટી.આઈ પલાણાના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ  બી.એમ.પટેલ અને વસૈયા, મામલતદાર ઝાલા અને આઈ.ટી.આઈ કોલેજના અને અન્ય વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: