આગામી ૧૪ માર્ચથી યોજાનાર બોર્ડ પરીક્ષાના સુચારું આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
આગામી ૧૪ માર્ચથી લેવાનાર એસ.એસ.સી. તથા એચ.એસ.સી. બોર્ડ પરીક્ષાના સુચારું આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો સાથે એક માર્ગદર્શન બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પરીક્ષા સમય દરમ્યાન વીજ પુરવઠો યથાવત રહે, પોલીસ બંદોબસ્ત રહે તથા એસ.ટી.ના રૂટ નિયત સમયે યથાવત રહે તે અંગે યોગ્ય આયોજન કરવા અધિક નિવાસી કલેક્ટર બી. એસ. પટેલ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે પરીક્ષા આપનાર વિદ્યાર્થી આપણા દેશનું ભવિષ્ય છે, તેઓના જીવનની આ એક મહત્વની પરીક્ષા માટે તેઓને ઉચિત વાતાવરણ મળી રહે તે સુનિશ્ચિત કરવું વહીવટી તંત્રની જવાબદારી છે. બેઠક અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, નડિયાદ ખેડાના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રાજેશ સુમેરા દ્વારા સમગ્ર પરીક્ષાની માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ પટેલ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.