મહેમદાવાદના વરસોલા ચોકડી પાસે અકસ્માત થયેલ કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
મહેમદાવાદના વરસોલા પાસે અકસ્માત થયેલ એક કારમાંથી મહેમદાવાદ પોલીસે વિદેશી દારૂ જપ્ત કર્યો છે. કારનો અકસ્માત થતા કારમાં રહેલી કેટલીક વિદેશી દારૂની બોટલો ફૂટી ગઈ હતી તેથી કાર ચાલક બનાવ સ્થળે કાર મૂકી ફરાર થઇ ગયો હતો. આ અંગે મહેમદાવાદ પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મહેમદાવાદ પોલીસ શનિવારના રાતના ડાકોર પગપાળા જતા યાત્રિકોના બંદોબસ્તમાં ખાત્રજ ચોકડી પર તૈનાત હતી. દરમિયાન બાતમી મળી હતી કે વરસોલા ચોકડી પાસે અકસ્માત થયેલ કારમાં વિદેશી દારૂ ભર્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા કારને ખાલી સાઇડે કોઇ અજાણ્યા વાહન ચાલક અડફેટ મારી અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. કારની અંદર તલાશી લેતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં કેટલીક વિદેશી દારૂની બોટલો ફુટી ગઇ હતી. કારમાંથી બે નંબર પ્લેટ પણ મળી આવી હતી જે દિલ્હી પાસિંગની હતી. જ્યારે કારનો અકસ્માત થતા કાર ચાલક બનાવના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અંગે મહેમદાવાદ પોલીસે રૂ ૧.૭૧ લાખનો વિદેશી દારૂ જપ્ત કરી અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.