દાહોદ જિલ્લામાં સાડા સાત લાખ બાળકોની આરોગ્યની થઇ ચકાસણી
દાહોદ જિલ્લામાં ૧૫ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવેલા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ માસૂમ અને કૂમળા બાળકો માટે આરોગ્યના અભય વચન સમાન સાબિત થઇ રહ્યો છે. જિલ્લાના નવેય તાલુકાના કુલ મળી ૭,૬૩,૧૮૬ બાળકોના આરોગ્યની ચકાસણી કરી લેવામાં આવી છે. ૬૫૫ જેટલા ગામોને તેમાં આવરી લેવાનું આયોજન છે અને આ માટે જિલ્લાની કુલ ૨૦૪ ટીમો કાર્યરત છે.
શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની વિગતો આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. એમ. પરમારે કહ્યું કે, જિલ્લામાં શાળાએ જતા અને શાળાએ ન જતા કુલ ૮,૪૧,૪૮૧ બાળકોના આરોગ્યની તપાસ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. તેની સામે ૭,૬૩,૧૮૬ બાળકોની તપાસ કરી દેવામાં આવી છે. અર્થાત કે, ૯૦ ટકા કામગીરી કરી દેવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, કુલ બાળકોની સાપેક્ષે રોગિષ્ટ બાળકોનું પ્રમાણ ૦.૫ ટકા કરતા પણ ઓછું છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમના છેલ્લા રિપોર્ટ પ્રમાણે તાવ, શરદી, ઉધરસ જેવી નાની વ્યાધિથી પીડાતા ૬૮,૪૦૭ બાળકોની સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. જેનો રોગિષ્ઠ બાળકોમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
હવે, રેફરલ સેવાઓ જેમને આપવામાં આવી એવા બાળકોની સંખ્યા જોઇએ તો બાળક રોગ નિષ્ણાંતમાં ૭૭૩, આંખ રોગ માટે ૬૦૭, દંતરોગ માટે ૭૮૮, ચર્મરોગ માટે. ૭૯૫, ઇએનટી માટે ૨૦૬ બાળકોને સારવાર આપવામાં આવી હતી. કુલ ૩૪૩૧ બાળકોને સંદર્ભ સેવાઓ આપવામાં આવી હતી.
દાહોદ જિલ્લામાં ગત્ત વર્ષે ૮,૦૦,૯૭૦ બાળકોની તપાસણી કરવામાં આવી હતી. તે પૈકી ૧૦,૨૭૦ બાળકોને સંદર્ભ સેવાઓ આપવામાં આવી હતી. તેમાં હ્રદયરોગના ૯૧, કિડનીના ૧૧ અને કેન્સરના ૭ બાળદર્દીઓ મળી આવ્યા હતા. ગત્ત વર્ષે ગંભીર રોગ કહી શકાય એવા કુલ ૧૩૯ બાળકોની સારવાર કરવામાં આવી હતી.
આ વર્ષે હ્રદય રોગના ૪૦ જેટલા, કિડનીના ૧૧ અને કેન્સરના ૯ બાળ દર્દીઓ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગની તપાસમાં એવું ફલિત થયું છે કે, કેન્સર રોગના બાળ દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે કર્કરોગ થાય છે. વળી, આ બાળકોને કોઇ પણ પ્રકારનું વ્યસન પણ નહોતું.
નેફ્રોલોજીને લગતા કેસોમાં કિડનીમાં સોજો આપવો, રિનલ ફેઇલ્યોર અને રક્ત વિકારના રોગો પણ બાળકોમાં જણાયા હતા. શાળા આરોગ્ય કાર્યક્રમ આવી ગંભીર બિમારીથી પીડાતા બાળકો માટે બહુ જ આશીર્વાદરૂપ છે. કેન્સરના પ્રથમ તબક્કામાં જ તેનું નિદાન થતાં હવે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદની શાહ હોસ્પિટલમાં આવા બાળદર્દીઓની સારવાર કરાવવામાં આવી રહી છે.
ખાનગી હોસ્પિટલમાં રૂ. ૫ લાખ સુધીનો ખર્ચ થાય એવી સારવાર સાવ વિનામૂલ્યે થઇ રહી છે. આ સારવાર બાદ બાળકોને નવજીવન મળશે અને તેના ચહેરા પર સ્મિત ફરી રેલાશે. અને આમયે કહેવાયું છે ને કે બાળકોનું સ્મિત એ ઇશ્વરે લખી આપેલો ઓટોગ્રાફ છે !