જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં ૯૦૦ ઉમેદવારોને નોકરીની તક મળી ભરતી મેળામાં ૧૭ નોકરીદાતા સંસ્થાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો

દાહોદ, તા. ૦૫ : સરકારી મહિલા આઇટીઆઇ, દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર અને એપ્રેન્ટીસશીપ ભરતી મેળો જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા યોજવામાં આવ્યો હતો. ભરતી મેળામાં ૧૭ નોકરીદાતા સંસ્થાઓ દ્વારા ૯૦૦ ઉમેદવારોને નોકરીની તક મળી છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ-ઉમેદવારોને મહાનુભાવો દ્વારા સ્વરોજગારી બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી યોગેશભાઇ પારગીએ જણાવ્યું કે, જિલ્લા રોજગાર કચેરી, દાહોદ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૯માં જિલ્લામાં ૧૮ ઔધોગિક ભરતી મેળામાં ૨૬૩૧ ઉમેદવારોને રોજગારીની તકો મળી હતી. હિંમતનગરમાં યોજાયેલા રાજય કક્ષાના લશ્કરી ભરતી મેળામાં જિલ્લાના ૩૯ ઉમેદવારો અંતિમ પસંદગી પામ્યા હતા. ઉમેદવારોના હિતાર્થે રોજગાર કચેરી દ્વારા ગત વર્ષે ૮ સ્વરોજગાર માર્ગદર્શન શિબિરો યોજવામાં આવી હતી.
તેમણે ઉપસ્થિત ઉમેદવારોને ઉજ્જવળ કારકિર્દીના નિમાર્ણ માટેની શુભેચ્છાઓ પણ આપી હતી.
આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી શ્રી ચૌધરીએ સારી કારકિર્દી બનાવવા કૌશલ્ય વિકાસ ઉપર ભાર મૂકયો હતો અને ઉમેદવારોને જે તે ક્ષેત્રમાં કાર્યદક્ષતા મેળવવા જણાવ્યું હતું.
લીડ બેન્ક મેનેજર શ્રી આર.બી. મુનિયાએ ઉમેદવારોને સ્વરોજગારી માટે રાજય સરકારની વિવિધ યોજનાઓ અને લોન સહાય બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.
રોજગારી ભરતી મેળામાં જમનાદાસ ઈન્ડસ્ટ્રીઝ, ન્યુ જનતા મેટલ વર્કસ, એલઆઇસી ઓફ ઇન્ડિંયા, દાહોદ શાખા, એમજી મોટર્સ સહિત ગાંધીનગર, હાલોલ, આણંદ, મહેસાણા, લુણાવાડા, ભરૂચ, અમદાવાદ, કચ્છની વિવિધ કંપનીઓ દ્વારા ૯૦૦ જેટલી જગ્યાઓ માટે ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપ્રપ્રમુખ શ્રી પર્વતસિંહ ડામોર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ-ઉમેદવારોએ ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: