દાહોદની પોલીટેકનિકમાં યોજાનારા ભરતી મેળામાં ૧૧૩૪ ઉમેદવારોને નોકરીની તકો મળશે
દાહોદ શહેર અને જિલ્લાની કોલેજીસમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા છાત્રો માટે નોકરીની સુવર્ણ તકી ઉભી થઇ છે. નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાતના માધ્યમથી ઓનલાઇન નોંધાયેલા છાત્રો માટે કેમ્પસ પ્લેસમેન્ટ ફેર આવતીકાલ તા. ૭ને શુક્રવારે સવારે નવ વાગ્યાથી અહીંની ઝાલોદ રોડ સ્થિત પોલીટેકનિક ખાતે રાખવામાં આવ્યો છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવનારા છાત્રો માટે સ્પોર્ટ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉક્ત બાબતની માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, પહેલા માત્ર એવું જ હતું કે માત્ર ઇજનેરી કોલેજીસમાં જ કેમ્પસ પ્લેસમેન્ટ થતાં હતાં. પણ, હવે સરકારે નોલેજ કન્સોર્ટીયમના માધ્યમથી તેનું વિસ્તરણ કર્યું છે અને આર્ટસ, કોમર્સ તથા સાયન્સ ફેકલ્ટીના છાત્રો માટે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ શરૂ કરી છે. આ ડ્રાઇવ રાજ્યભરમાં એક સપ્તાહ સુધી ચાલશે.
તેમણે ઉમેર્યું કે, કેમ્પસ પ્લેસમેન્ટના કારણે છાત્રોને નોકરીની તકો ઘર આંગણે જ સાંપડે છે, સાથે ઇન્ટરવ્યુમાં અસફળ રહેનારા ઉમેદવારોને તેનો અનુભવ મળે છે અને પોતાનામાં ઘટતા આત્મવિશ્વાસ તથા ખામીઓ શોધવાનો અવસર પણ મળે છે. જેથી ભવિષ્યના ઇન્ટરવ્યુમાં સફળ થવાની શક્યતાઓ વધી જાય છે.
શ્રી ખરાડીએ ઉમેર્યું કે, દાહોદના ભરતી મેળામાં કુલ ૧૮૭૨ નોકરીવાંચ્છુ ઉમેદવારો ઓનલાઇન નોંધણી કરાવી છે. જેમાંથી ૧૧૩૪ ઉમેદવારોએ ફેરમાં ઉ૫સ્થિત રહેવાનું નિયત કર્યું છે. ૩૨ જેટલી વિવિધ કંપનીઓ તથા પેઢીઓએ આ ભરતી મેળામાં ઉપસ્થિત રહેવાનું કન્ફરમેશન આપ્યું છે. નોકરીદાતાઓ કુલ ૧૩૧૪ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવાના છે.
પસંદગી પામેલા ઉમેદવારોને નિયમોનુસારના વિવિધ લાભો જેવા કે પી.એફ. વાહન સુવિધા, રાહત દરે કેન્ટીનમાં ભોજન સહિતની સુવિધા સાથે ૧૦થી ૧૫ કે તેનાથી વધુ લાયકાત અનુસાર પગારની ઓફર ઉમેદવારને કરવામાં આવશે.
લાઇઝ ઇઝ નોટ બેડ ઓફ રોઝીસ એ અંગ્રેજી કહેવત ટાંકતા કલેક્ટરશ્રીએ કાલના મેળામાં સફળ થનારા છાત્રોએ અપીલ પણ કરી છે, એક નોકરી મળી એટલે તેમાં શીખવાનું ઘણુ મળે છે. શીખવા માટે સંઘર્ષ કરવો પડે છે. કંપની હોય ત્યાં રહેવું પડે છે. એની આ બાબતોને ધ્યાને લઇ માત્ર થોડા સમયમાં જ નોકરી છોડી દેવી જોઇએ નહી.
અત્રે એ પણ નોંધવું જોઇએ દાહોદ પોલીટેકનિક ખાતે ગત વર્ષે યોજાયેલા ભરતી મેળા દરમિયાન પસંદગી પામેલા ૨૯૮ યુવાનો હાલમાં સફળતાપૂર્વક વિવિધ કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે.
પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવે, પોલીટેકનિક આચાર્ય શ્રી એમ. એન. ચરેલ ઉપસ્થિત રહ્યા હતા.