કઠલાલના ૫૫ વર્ષય આધેડને દુષ્કર્મ ના કેસમાં ૨૦ વર્ષની સખત કેદની સજા
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

અન્ય યુવક સાથે લગ્ન કરાવી આપવાનું કહી પિતા કરતાં વધુ ઉંમરનો ઈસમ ૧૪ વર્ષની સગીરાને એક વર્ષ અગાઉ તેના વાલીના ઘરેથી ભગાડી ગયો હતો. ત્યારબાદ ઈસમે સગીરાને જુદા જુદા ગામોમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યો હતો. સગીરાને નડિયાદ કઠલાલ રોડ પર આવું છુ કહીને મુકી નાસી ગયો હતો. આ કેસમાં અદાલતે આધેડ આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ખેડા જિલ્લાના એક ગામમાં લગ્ન કરાવી આપવાનું કહી રહેતી ૧૪ વર્ષ ૧૦ માસની સગીરાને કઠલાલના ખાડા વિસ્તાર, બસ સ્ટેન્ડ પાછળ રહેતો શના જેસીંગભાઈ પરમાર (ઉં.વ.૫૫) ગત તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ પોતાના ભાણા વિશાલ સાથે લગ્ન કરાવવાનું ગોઠવી આપવાની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદ સગીરાને કપડવંજ, ડાકોર, નડિયાદ, ધોળકા થઈ અમરેલી જિલ્લાના જાળીયાગામે ત્રણ દિવસ રાખી દુષ્કર્મ ગુજાર્યો હતો. ત્યાંથી માટેલ, ચોટીલા, કુવાવડ સ્થળે ફેરવી ચોટીલા ચામુંડા માતાજીના ગઢ ઉપર જવાના રસ્તે ભેલની લારીની પાછળ દુકાનના ઓટલે બે રાત રાખી ત્યાં પણ દુષ્કર્મ ગુજાર્યો હતો. તા.૧૫ ફેબ્રુઆરી ૨૨ના રોજ સવારના આઠેક વાગ્યે નડિયાદ મીલ રોડ કઠલાલ તરફ જવાના રસ્તે ઉભી રાખી હું આવુ છું કહી રોડ પર મુકી ભાગી ગયો હતો.આ મામલે કઠલાલ પોલીસ મથકે પોકસો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ નડિયાદના સ્પે.જજ પી.પી.પુરોહિતની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ગોપાલ વિ.ઠાકુરની દલીલો, ૧૦ સાક્ષીની જુબાની, ૨૭ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ અદાલતે આધેડ આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો.

