મહુધા પાસે ઇકો કારમાં કતલખાને લઈ જતા પશુઓને પોલીસે બચાવી લીધા
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
નડિયાદ: મહુધા પોલીસે રામનામુવાડા ગામેથી ઈકો કારમાં બાંધેલા પશુઓને કતલખાને લઈ જતાં બચાવી લીધા છે. સાથે ચાલક સહિત પશુઓ મોકલનાર અને મંગાવનાર મળી કુલ ૩ સામે પશુ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. મહુધા પોલીસના માણસો શનિવારે રાત્રે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, રામનામુવાડા ગામેથી એક ઇકો કાર પશુઓને ભરી કતલખાને લઈ જાય છે. આથી પોલીસના માણસો વોચ ગોઠવી શંકાસ્પદ ઈકો ગાડી આવતા તેને અટકાવી હતી. પોલીસે ગાડીની તપાસ કરતાં અંદર ડ્રાઇવરની
પાછળની બાજુએ ગૌવંશના વાછરડા નંગ ૮ હતા. પોલીસે કાર ચાલક અહમદહનીફ મુનિરમીયા મલિક (રહે.મહુધા) પાસે પુરાવા માગતા આ વ્યક્તિ પુરાવા રજૂ કરી શક્યો
નહોતો. પોલીસે કારનો દરવાજો ખોલી એક પશુઓને ઉતારતા જેમાંથી એક પશુનુ મોત થઇ ગયું હતું. પોલીસે પશુઓને ક્યાં લઈ જવામાં આવતા અને ક્યાથી લાવવામાં આવ્યા તે દિશામાં તપાસ હાથ ધરતા પકડાયેલા વ્યક્તિએ કહ્યું કે કઠલાલના ઈશ્વરભાઈ નામના વ્યક્તિએ આ પશુઓ ભરી આપ્યા હતા અને મહુધામાં રહેતા ફારુક કુરેશીને ત્યાં આ પશુઓને લઈ જવામાં આવતા હતા. પોલીસે આ બનાવમાં કાર સહિત મોબાઈલ ફોન અને વાછરડાઓ મળી કુલ રૂપિયા ૩ લાખ ૨૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.