લીમખેડા તાલુકાના ચૈડીયા ગામે કળીયુગી પુત્રએ માતાને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા ચકચાર
દાહોદ તા.૧૬
લીમખેડા તાલુકાના ચૈડીયા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે. કળીયુગી પુત્રએ પોતાની ૬૫ વર્ષીય માતા ઉપર ડાકણ હોવાની શક વ્હેમ રાખી માતા સાથે ઝઘડો તકરાર કરી કુહાડીના ઘા ઝીંકી માતાને મોતને ઘાટ ઉતારતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ પોલીસને થતાં તાબડતોડ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કળીયુગી પુત્રની અટક કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.
લીમખેડા તાલુકાના ચૈડીયા ગામે ભુરીયા ફળિયામાં રહેતા ૭૦ વર્ષીય તેજાભાઈ મોતીયાભાઈ ભુરીયા અને તેમની ૬૫ વર્ષીય પÂત્ન સેનાબેન તેજાભાઈ ભુરીયા બંન્ને વૃધ્ધ દંપતિ ગત તા.૧૫ ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે હાજર હતા. આ દિવસે અંદાજે બપોરના ૧૨ વાગ્યાના આસપાસ આ દંપતિનો પુત્ર શંકરભાઈ તેજાભાઈ ભુરીયા ઘરે આવ્યો હતો અને દંપતિ સાથે ઝઘડો તકરાર કરી સેનાબેનને કહેવા લાગેલ કે, તુ મેલી વિદ્યા કરે છે જેના કારણે મારી પÂત્ન તથા બાળકો બીમાર રહે છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ કુહાડીના ઘા સેનાબેનને શરીરે મારતા સેનાબેનને લોહી લુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડ્યા હતા અને જાતજાતામાં સેનાબેનના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. ઘટનાની જાણ વાયુવેગે ગામમાં થતાં ગ્રામજનોનો ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા અને પોલીસને પણ જાણ થતાં પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને પુત્ર શંકરભાઈની અટક કરી હતી. વૃધ્ધ ૬૫ વર્ષીય માતાના મોતને પગલે દોડી આવેલા પરિવારજનો તેમજ સગાસંબંધીઓમાં આક્રંદ સહિત ગમગમીનો માહોલ છવાઈ ગયો હતો.
આ સંદર્ભે મૃતક ૬૫ વર્ષીય સેનાબેનના પતિ ૭૦ વર્ષીય તેજાભાઈ મોતીયાભાઈ ભુરીયાએ પોતાના પુત્ર વિરૂધ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Dahod