જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ
સિંધુ ઉદય
જિલ્લામાં કમોસમી વરસાદ, વાવાઝોડાથી થયેલા માનવીય તેમજ ભૌતિક નુકશાનની તાત્કાલિક સહાય ચૂકવવા સૂચના દાહોદ, તા. ૧૮: જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકના પ્રથમ ભાગમાં ધારાસભ્યશ્રીઓના ૧૭ જેટલા પ્રશ્નો લેવામાં આવ્યા હતા. જેનો સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો હતો અને સંબધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી. સંકલન બેઠકના પ્રથમ ભાગમાં ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભૂરિયા તેમજ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ ભાભોર સહિતના જનપ્રતિનિધિ ઉપસ્થિત રહ્યાં હતા. સંકલન બેઠકના બીજા ભાગમાં જિલ્લામાં ધોરણ ૧૦-૧૨ ની બોર્ડની પરીક્ષાઓ યોગ્ય રીતે સંપન્ન થાય એ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કલેક્ટરશ્રીએ કર્યા હતા. વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષાકેન્દ્ર ખાતે પહોંચી શકે એ માટે એસટી તંત્રને જરૂરી વ્યવસ્થા અંગે સૂચનો કરાયા હતા. કલેક્ટરશ્રીએ વિવિધ લોકપ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના શિક્ષકોના પેન્ડીંગ પેન્શન કેસોનો નિકાલ લાવવા જણાવ્યું હતું. જિલ્લામાં કમોસમી વરસાદ, વાવાઝોડાથી થયેલા માનવીય તેમજ ભૌતિક નુકશાનની તાત્કાલિક સહાય ચૂકવવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. તદ્દઉપરાંત બેઠકમાં નલ સે જલ યોજનાના કનેકશન બાબતના પ્રશ્નો, વિજ કનેકશન, આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓમાં પાણીના પ્રશ્નો બાબતે સમીક્ષા કરવામાં આવી હતી અને સબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, લીમખેડા પ્રાંત અધિકારી શ્રી રાજ સુથાર, એએસપી શ્રી જગદીશ બાંગરવા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.